ઉત્તરાખંડ બીજેપી પ્રદેશ અધ્યક્ષની જાહેરાત, આ નેતાને મળી આગેવાની

ઉત્તરાખંડમાં ભાજપે નવા અધ્યક્ષની જાહેરાત કરી દીધી છે. છેલ્લા ઘણા દિવસોથી યુપી અને ઉત્તરાખંડમાં નવા પ્રદેશ અધ્યક્ષના નામને લઈને અટકળો ચાલી રહી હતી. જોકે, અત્યારે પાર્ટીએ ઉત્તરાખંડમાં જ નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરી છે. ભાજપે રાજ્યમાં પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે મહેન્દ્ર ભટ્ટની નિમણૂકતા કરી છે.
ઉત્તરાખંડમાં પાર્ટીના નવા અધ્યક્ષની જાહેરાત ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જારી પત્રમાં કરવામાં આવી છે. 30 જુલાઈના રોજ જારી કરાયેલા પત્રમાં લખ્યું છે કે, “ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મહેન્દ્ર ભટ્ટને ઉત્તરાખંડ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે.”
આ અગાઉ બુધવારે મહેન્દ્ર ભટ્ટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ રાજ્યમાં મહેન્દ્ર ભટ્ટને પાર્ટી અધ્યક્ષ બનાવવાની અટકળોએ જોર પકડ્યું હતું. જો કે, ભટ્ટે તેને માત્ર સૌજન્ય કોલ ગણાવ્યો હતો. મહેન્દ્ર ભટ્ટ ઉત્તરાખંડની બદ્રીનાથ સીટથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
આ અગાઉ રાજ્યમાં ભાજપની કમાન મદન કૌશિકના હાથમાં હતી. રાજ્યમાં ભાજપના મોટા નેતાઓમાં મદન કૌશિકનું નામ આવે છે. તેઓ હાલમાં હરિદ્વાર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય પણ છે. તમને જણાવી દઈએ કે, ઘણા સમયથી રાજ્યમાં પાર્ટી નેતૃત્વ અને સંગઠનમાં ફેરફારની અટકળો ચાલી રહી હતી.
હવે આગામી લોકસભાની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના જબરદસ્ત પ્રદર્શનનું પુનરાવર્તન કરવાની મહત્વની જવાબદારી મહેન્દ્ર ભટ્ટના ખભા પર રહેશે. અહીં રાજ્યમાં પહેલીવાર પાર્ટીએ સતત બીજી વખત વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી છે. અહીં 70 સીટોવાળી વિધાનસભામાં ભાજપે કુલ 47 સીટો જીતી છે.