સુરત કોંગ્રેસનું નવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. સુરત શહેરના કોંગ્રેસ નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. હસમુખ માતાભાઈ દેસાઈ નવા સુરત શહેર પ્રમુખ બન્યા છે. જયારે ભુપેન્દ્ર સોલંકી, ફિરીઝ મલેક, અશોક પિંપળે, દીપ નાયક કાર્યકારી પ્રમુખ નિમાયા છે. સુરત જિલ્લા કોંગ્રેસ તરીકે મનહર પટેલની વરણી કરવામાં આવી છે. કોંગ્રેસે પૂર્વ શહેર પ્રમુખ હસમુખ પટેલ ને જ રિપીટ કરતા કોંગ્રેસી કાર્યકરો સ્તબ્ધ થઇ ગયા છે.

બીજી તરફ ચાર કાર્યકારી પ્રમુખોની નિમણૂક થકી કોંગ્રેસે જૂથવાદ ડામવા કોશિશ કરી છે. જયારે આગામી દિવસોમાં પાટીદાર નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની પણ તૈયારી બતાવી હતી.

જો કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યનું નવું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું હતુ. આ જાહેર કરેલ નવા સંગઠનમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રદિપ ત્રિવેદીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. પ્રદિપ ત્રિવેદીનું નામ જાહેર થતા જ પાટીદાર નેતાઓમાં નારાજગી જોવા મળી હોવાનું સામે આવ્યું હતું.

નોંધનીય છે કે, સુરત કોંગ્રેસ માયનોરિટી સંમેલનમાં જૂથવાદ થયો હોવાનું સામે આવ્યું હતું, જેમાં માયનોરિટી વર્કિંગ શેલના ચેરમેન મુકદર રંગોલીએ જાહેરમાં બળાપો કાઢ્યો હતો અને આક્ષેપો કર્યા હતા કે, કદીર પીરઝાદા એન્ડ ગ્રુપ મનમાની ચલાવી તેમના જ માનીતા લોકોને હોદ્દાઓ આપવામાં આવી રહ્યા છે.