મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના સાત મહાનગરપાલિકાના કમિશનરોની બેઠક બોલાવી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિત 7 મહાનગરોના કમિશનર બેઠકમાં ઉપસ્થિત રહેશે. જે ગાંધીનગર ગિફ્ટ સીટી ખાતે સાંજે 4 વાગ્યે બેઠક મળશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા 10 મિનિટનું મહાનગરોમા ચાલતા વિકાસ કામોનું પ્રેઝન્ટેશન કરશે.

રાજ્યમાં કોરોના કાળની પ્રથમ લહેર બાદ બીજી લહેર પૂર્વે યોજાયેલી મહાનગર પાલિકાની ચુંટણીમાં ભાજપની જીત બાદ મહાનગર પાલિકાના હોદ્દેદારો સાથે સીએમ રૂપાણીની આ પ્રથમ બેઠક છે. જેમાં મહદઅંશે વિકાસ કામોની સમીક્ષા કરીને તેમાં જરૂરી સૂચનાનો આપવામાં આવશે.

સીએમ રૂપાણી દ્વારા બોલવવામાં આવેલી આ બેઠકમાં મહાનગરપાલિકાના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. તેમજ શહેરોના માળખાકીય વિકાસ માટે ટીપી સ્કીમના અમલ અને દબાણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આ બેઠકમાં શહેરી સુખાકારીની સુવિધા અને પીવાના પાણીના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં રોડ રસ્તાની કામગીરી, આવાસ યોજના, ફાયર સેફટી મુદ્દે પણ ચર્ચા કરાશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાનું ઇલેકશન યોજાવવાનું છે. જેના પગલે શહેરી વિસ્તારના સરકાર દ્વારા અનેક વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી છે. તેમજ આ કામો ઝડપથી પૂર્ણ થાય અને તેનો લાભ લોકોને મળે તે પણ જરૂરી છે. જેથી શહેરી વિસ્તારોમાં કરવામાં આવી રહેલા કામોની સમીક્ષા પણ જરૂરી છે. જેથી કામો સમયસર પૂર્ણ કરી શકાય.