આમ આદમી પાર્ટીએ ગઈકાલે ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં પ્રથમ રાષ્ટ્રીય પીપલ્સ કન્વેન્શનનું આયોજન કર્યું હતું. જેમાં દેશભરમાંથી ઉપસ્થિત પક્ષના જનપ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2024ની સામાન્ય ચૂંટણી માટે પિચ તૈયાર કરી હતી. તેમણે દાવો કર્યો કે દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાતમાં AAPની સરકાર બનવા જઈ રહી છે. જયારે, તેમણે સ્પષ્ટ કર્યું કે શું પાર્ટી ભાજપ વિરુદ્ધ બનાવવામાં આવી રહેલા મોરચામાં સામેલ થશે કે નહીં.

કેજરીવાલે કહ્યું કે હાલમાં ભાજપને હરાવવા માટે રચાયેલા વિપક્ષી ગઠબંધનમાં સામેલ થવાની તેમની કોઈ યોજના નથી. તેના બદલે, કેજરીવાલે પાર્ટીના સભ્યોને AAPના ‘મેક ઈન્ડિયા નંબર 1’ અભિયાન દ્વારા “ભારતના 130 કરોડ નાગરિકોનું ગઠબંધન” બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતમાં AAPની વધતી જતી લોકપ્રિયતાએ ભાજપને હચમચાવી નાખ્યું છે.

કેજરીવાલે કહ્યું કે, ભાજપ પાર્ટી તેના ધારાસભ્યોને ભ્રષ્ટાચારના ખોટા કેસોમાં ફસાવીને AAPને દબાવવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સત્તાધારી ભાજપ પર પ્રહાર કરતા, કેજરીવાલે મફતની તરફેણમાં AAPની દલીલો કરીને તેનો બચાવ કર્યો. આ સિવાય નેશનલ પીપલ્સ કોન્ફરન્સમાં AAP સાંસદ સંજય સિંહે ભાજપ દ્વારા દેશભરમાં ચલાવવામાં આવી રહેલા ઓપરેશન લોટસ વિરુદ્ધ ઠરાવ પત્ર રજૂ કર્યો હતો. જયારે વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી ગોપાલ રાયે દેશવ્યાપી અભિયાન મેક ઈન્ડિયા નંબર-1ને સફળ બનાવવા માટે સંકલ્પ પત્ર રજૂ કર્યો હતો.