મોંઘવારી મુદ્દે કોંગ્રેસ સતત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઘેરી રહી છે. બુધવારે કોંગ્રેસે ઈંધણની વધતી કિંમતો અને મોંઘવારીના વિરોધમાં સંસદમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન એક મહિલા સાંસદ ગેસ સિલિન્ડર સાથે પ્રદર્શન કરતી જોવા મળી હતી. મહિલા સાંસદ બાહુબલી સ્ટાઈલમાં સિલિન્ડર ઉપાડતી જોવા મળી હતી અને વધતી મોંઘવારી પર નારાજગી વ્યક્ત કરી હતી.

રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ અને અન્ય કેટલાક વિપક્ષી દળોએ સંસદ પરિસરમાં ધરણા કર્યા. આ સાંસદોએ મોંઘવારીના વિરોધમાં અને ઘણી જરૂરી ખાદ્ય ચીજોને GSTના દાયરામાં લાવવાના વિરોધમાં સરકાર પર પ્રહારો કર્યા હતા. આ લોકોએ એક બેનર પણ લગાવ્યું હતું જેમાં ગેસ સિલિન્ડરની તસવીર હતી અને લખ્યું હતું, મોંઘવારીથી સામાન્ય નાગરિકોનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે, તેઓ કેવી રીતે જીવશે?

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નમા નાગેશ્વર રાવ અને કે. કેશવ રાવ, નેશનલ કોન્ફરન્સના હસનૈન મસૂદી, IUMLના ET મોહમ્મદ બશીર અને અન્ય ઘણા વિપક્ષી સાંસદો ધરણામાં જોડાયા હતા.

વિપક્ષી સાંસદોએ ‘દૂધ અને દહીં પરનો જીએસટી પાછો લો’ના નારા પણ લગાવ્યા હતા. આ અવસરે ખડગેએ કહ્યું કે, આજે લોટ, દહીં અને અન્ય ઘણી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. આ સરકારે સામાન્ય લોકો પર અત્યાચાર કર્યો છે. અમે આનો વિરોધ કરીશું.