અમરનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. હવામાન સાફ થયા બાદ યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ ખરાબ હવામાનને કારણે તેને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાલતાલ અને પહેલગામથી પવિત્ર ગુફામાં જવા પર પ્રતિબંધ હતો. પરંતુ હવામાન સાફ થયા બાદ ફરી એકવાર આ યાત્રા શરૂ થઈ છે. યાત્રા સ્થગિત થવાના કારણે નિરાશ થયેલા શ્રદ્ધાળુઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કડક સુરક્ષા વચ્ચે, પવિત્ર અમરનાથ ગુફાના દર્શન કરવા માટે જમ્મુથી 6,300 થી વધુ શ્રદ્ધાળુઓનો છઠ્ઠો ટુકડો રવાના થયો હતો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની કડક સુરક્ષા વચ્ચે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી 239 વાહનોમાં કુલ 6,351 શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. જેમાં 4,864 પુરૂષો, 1,284 મહિલાઓ, 56 બાળકો, 127 સાધુઓ, 19 સાધ્વીઓ અને એક ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.

2,028 તીર્થયાત્રીઓ બાલટાલ બેઝ કેમ્પ માટે પ્રથમ 88 વાહનોમાં સવારે 3.35 વાગ્યે રવાના થયા હતા, ત્યારબાદ 151 વાહનોનો બીજો કાફલો કાશ્મીરના પહેલગામ કેમ્પ માટે 4,323 યાત્રાળુઓને લઈને નીકળ્યો હતો. બાબા બર્ફાનીના દર્શન માટે 43-દિવસીય વાર્ષિક તીર્થયાત્રા 30 જૂનના રોજ દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં પરંપરાગત 48 કિમીના નુનવાન રૂટ અને મધ્ય કાશ્મીરના ગાંદરબલમાં 14 કિમીના બાલતાલ રૂટ પર શરૂ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 72,000 થી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં બરફથી બનેલા શિવલિંગના દર્શન કરી ચુક્યા છે. રક્ષાબંધનના અવસર પર અમરનાથ યાત્રા 11 ઓગસ્ટે સમાપ્ત થશે.