ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક T20 ક્રિકેટ ટુર્નામેન્ટ બિગ બેશ લીગ (BBL) માં આજે (16 ડિસેમ્બર) એક ઐતિહાસિક દિવસ છે. ઉપરાંત, આ દિવસ સિડની થંડર્સ ટીમ માટે ખૂબ જ શરમજનક છે. આ મેચમાં એડિલેડ સ્ટ્રાઈકર્સ ટીમના બોલરોએ તોફાની પ્રદર્શન કર્યું હતું. તેની સામે સિડનીની ટીમ 15 રનમાં સમેટાઈ ગઈ હતી. ટી20 ક્રિકેટના ઈતિહાસનો આ સૌથી નાનો સ્કોર પણ છે.

વાસ્તવમાં, બિગ બેશ લીગની વર્તમાન સિઝનની આ પાંચમી મેચ હતી, જે સિડની થંડર્સ અને એડિલેડ સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાઈ હતી. સિડનીના મેદાન પર રમાયેલી આ મેચમાં એડિલેડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 139 રન બનાવ્યા હતા.

આ સ્કોર જોઈને લાગતું હતું કે, સિડનીની ટીમ આસાનીથી મેચ જીતી જશે, પરંતુ પાસો ઉલટો પડ્યો હતો. ફાસ્ટ બોલર હેનરી થોર્ટન અને વેસ એગરે એડિલેડ ટીમ માટે તોફાની બોલિંગ કરી અને સિડનીના બેટ્સમેનોને સંપૂર્ણપણે ચોંકાવી દીધા હતા.

બંને બોલરોએ એકસાથે 9 વિકેટ લીધી હતી અને સિડનીની સમગ્ર ટીમને 5.5 ઓવરમાં માત્ર 15 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. આ રીતે એડિલેડ સ્ટ્રાઈકર્સની ટીમે 124 રનથી મેચ જીતી લીધી હતી. મેચમાં હેનરીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો જેણે 2.5 ઓવરમાં માત્ર 3 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. જ્યારે અગરે 2 ઓવરમાં 6 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

સિડની ટીમના તમામ બેટ્સમેનો ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. તે તમામ ખેલાડીઓનો સ્કોર મોબાઈલ નંબર જેવો લાગે છે. તમામ 11 ખેલાડીઓએ અનુક્રમે 0, 0, 3, 0, 2, 1, 1, 0, 0, 4, 1 રન બનાવ્યા હતા. આ સ્કોર જોઈને સમજાઈ ગયું હશે કે, સિડની ટીમના બંને ઓપનર એલેક્સ હેલ્સ અને મેથ્યુ ગિલકેસ ખાતું પણ ખોલાવી શક્યા નથી.

15 રનના આ સ્કોર સાથે સિડની થંડર્સે T20 ક્રિકેટમાં એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. સિડનીની ટીમ ટી20 ફોર્મેટમાં સૌથી નાનો સ્કોર બનાવનારી ટીમ બની ગઈ છે. તેણે તુર્કીની ટીમનો ત્રણ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. તુર્કીની ટીમે 30 ઓગસ્ટ 2019 ના રોજ ચેક રિપબ્લિક સામે મેચ રમી હતી. આ મેચમાં તુર્કીની ટીમ 8.3 ઓવરમાં 21 રનમાં સમેટાઈ ગઈ હતી.