ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 17 ડિસેમ્બરથી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. આ સીરીઝની શરૂઆત પહેલા જ ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઝડપી બોલર જોશ હેઝલવુડ ઈજાના કારણે પ્રથમ ટેસ્ટ અને બોક્સિંગ ડે ટેસ્ટ (બીજી ટેસ્ટ) માંથી બહાર થઈ ગયો છે.

તમને જણાવી દઈએ કે, દર વર્ષે નવા વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ 26 ડિસેમ્બરથી ટેસ્ટ મેચ રમે છે. આ ટેસ્ટ મેચને બોક્સિંગ ડે ટેસ્ટ કહેવામાં આવે છે. ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, જોશ હેઝલવુડને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ અને બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. 31 વર્ષીય હેઝલવુડ સાઇડ સ્ટ્રેઇનનો સામનો કરી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઈલીએ કહ્યું કે, “પેટ કમિન્સમાં સતત સુધારો થઈ રહ્યો છે, તેણે શનિવારે બોલિંગ કરી હતી અને તે આ મેચ (બોક્સિંગ ડે ટેસ્ટ) માં રમે તેવી શક્યતા દેખાઈ રહી છે. જો કે જોશ હેઝલવુડને વધુ સમયની જરૂર પડશે.”

તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાએ હજુ સુધી દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી. પરંતુ રિપોર્ટ અનુસાર, જે ટીમ તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. આ જ ટીમ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. જોકે, તેમાં એક જ ફેરફાર થશે કે હેઝલવુડ દક્ષિણ આફ્રિકા સામે નહીં રમે.

જ્યોર્જ બેઈલીએ વધુમાં કહ્યું કે, “આ વાતને ધ્યાનમાં રાખીને, અમે બોક્સિંગ ડે ટેસ્ટ માટે ટીમમાં માઈકલ નેસર અને લાન્સ મોરિસને જાળવી રાખ્યા છે.” તમને જણાવી દઈએ કે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ સીરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે.

નોંધપાત્ર વાત એ છે કે, દક્ષિણ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ મેચની ટેસ્ટ અને વનડે શ્રેણીની સમાન સંખ્યાની મેચ રમશે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 17 ડિસેમ્બર, બીજી મેચ 26 ડિસેમ્બર અને ત્રીજી અને અંતિમ ટેસ્ટ 4 જાન્યુઆરીથી રમાશે.