ઈંગ્લેન્ડ પ્રવાસ પર પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ શ્રેણીમાં પાછળ ચાલી રહેલી ન્યુઝીલેન્ડની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રાન્ડહોમ ઈજાના કારણે સમગ્ર પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે. તેના સ્થાને ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમમાં માઈકલ બ્રેસવેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોલિન ડી ગ્રાન્ડહોમને જમણા પગની એડીમાં ઈજા થઈ છે. તબીબી તપાસ બાદ તે બાકીના પ્રવાસ માટે અનફીટ રહેવાનું સામે આવ્યું હતું. પ્રથમ ટેસ્ટમાં કોલિન ડી ગ્રાન્ડહોમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. મેચની પ્રથમ ઈનિંગમાં જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 132 રનના શરમજનક સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી ત્યારે કોલિને સૌથી મોટી ઈનિંગ રમી હતી. કોલિને અણનમ 42 રન બનાવ્યા હતા. જોકે તે બોલિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો અને માત્ર 1 વિકેટ જ લઈ શક્યો હતો.

ન્યૂઝીલેન્ડની ટીમ 3 મેચની આ સીરીઝમાં 1-0થી પાછળ છે. પ્રથમ ટેસ્ટમાં તેને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડનો પ્રથમ દાવ 132 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ન્યુઝીલેન્ડ બોલરોએ પણ ઈંગ્લેન્ડને માત્ર 141 રનમાં જ રોકી દીધું હતું. ત્યાર બાદ ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 285 રન બનાવ્યા અને ઇંગ્લેન્ડને જીતવા માટે 277 રનનો ટાર્ગેટ મળ્યો. ઇંગ્લિશ બેટ્સમેનોએ આ ટાર્ગેટને 5 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો હતો.

ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ 10 જૂનથી શરૂ થશે. આ મેચ નોટિંગહામમાં રમાશે. શ્રેણીની છેલ્લી મેચ લીડ્ઝમાં 23 થી 27 જૂન દરમિયાન રમાશે.