ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન માર્ક બાઉચરને ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. માર્ક બાઉચર હાલમાં દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ટીમના કોચ છે. જોકે માર્ક બાઉચરે જાહેરાત કરી હતી કે તે T20 વર્લ્ડ કપ પછી દક્ષિણ આફ્રિકાની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે.

આ અગાઉ એવી અટકળો હતી કે માર્ક બાઉચર સાઉથ આફ્રિકાની T20 લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની માલિકીની ટીમ MI કેપટાઉનના મુખ્ય કોચ બની શકે છે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે MI કેપટાઉન માટે ટીમના મુખ્ય કોચ તરીકે સિમોન કેટિચની નિમણૂકતા કરી હતી. ત્યાર બાદ આઈપીએલમાં માર્ક બાઉચરના મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ બનવાની અટકળો ચાલી રહી હતી.

વાસ્તવમાં મુંબઈ ઈન્ડિયન્સે તાજેતરમાં જ તેમના સેટઅપમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. IPL સિવાય મુંબઈ ઈન્ડિયન્સે દક્ષિણ આફ્રિકા અને UAE માં યોજાનારી T20 લીગમાં પણ ટીમો ખરીદી છે. આ કારણે મહેલા જયવર્દનેને ગ્લોબલ હેડ ઓફ પરફોર્મન્સનું પદ સોંપવામાં આવ્યું છે. તે જ સમયે, ઝહીર ખાનને ક્રિકેટ ઓપરેશન્સના ડિરેક્ટર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.

મહેલા જયવર્દને 2017 થી મુંબઈ ઈન્ડિયન્સના કોચ હતા અને તેમના નેતૃત્વમાં ટીમ ત્રણ વખત આઈપીએલ વિજેતા બનવામાં સફળ રહી હતી. જો કે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું પ્રદર્શન છેલ્લી બે સિઝનથી નિરાશાજનક રહ્યું છે.

IPL માં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. ટીમમાં હવે હાર્દિક પંડ્યા નથી. મુંબઈ ઈન્ડિયન્સનો ટોપ ઓર્ડર પણ આગામી સિઝનથી બદલાતો જોવા મળી શકે છે. જોકે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલમાં યુવા ખેલાડીઓ પર દાવ લગાવ્યો છે. માર્ક બાઉચરની સામે IPLમાં ટીમને પરત લાવવાનો પડકાર રહેશે.