બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ચાલી રહેલી ODI સીરીઝની છેલ્લી મેચ શનિવારે રમાશે અને તે પછી બંને ટીમો ટેસ્ટ શ્રેણીની તૈયારી શરૂ કરશે. ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ હવે તેમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. રોહિત શર્મા ઈજાના કારણે વનડે સીરીઝમાંથી બહાર થઈ ગયો છે, પરંતુ તેના ટેસ્ટમાં પણ રમવાની આશા ઓછી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંગાળના અભિમન્યુ ઇશ્વરનને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

ESPNcricinfo અનુસાર, BCCI હાલમાં રોહિત શર્માની ઈજાને લઈને અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. રોહિત બીજી વનડેમાં ઈજાગ્રસ્ત થયા બાદ મુંબઈ પરત ફર્યો છે અને ત્યાં બીસીસીઆઈ સાથે કામ કરતા નિષ્ણાતને મળ્યો છે. ટીમ મેનેજમેન્ટને આશા છે કે, રોહિત બીજી ટેસ્ટ પહેલા ફિટ થઈ જશે. ઇશ્વરન હાલમાં સિલ્હટમાં છે જ્યાં તેણે તેની કેપ્ટનશીપ હેઠળ ભારત A ને ફર્સ્ટ ક્લાસ મેચમાં જીત અપાવી છે.

ઇન્ડિયા A માટે બાંગ્લાદેશ સામે ઇશ્વરનનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે અને તેણે 141 અને 157 રનની બે શાનદાર ઇનિંગ્સ રમી છે. ઇશ્વરનને બાંગ્લાદેશની પરિસ્થિતિઓનો સારો અનુભવ છે કારણ કે તે ઢાકા પ્રીમિયર લીગ સર્કિટમાં રમે છે. આ વર્ષે તેણે 50 ઓવરના ફોર્મેટમાં ઢાકા બેંકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2013 માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કરનાર ઇશ્વરન ગયા વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ હતો. સાતત્યપૂર્ણ રમત બતાવી રહેલા ઇશ્વરનને હજુ સુધી ડેબ્યૂ કરવાની તક મળી નથી.