એરોન ફિન્ચ બાદ આ દિગ્ગજ ઓસ્ટ્રેલિયને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું

ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની વાઈસ-કેપ્ટન અને અનુભવી ખેલાડી રશેલ હેન્સે ગુરુવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણીની નિવૃત્તિની જાહેરાત સાથે, રશેલે જાહેર કર્યું છે કે, આગામી મહિલા બિગ બેશ લીગ તેની છેલ્લી સ્થાનિક સિઝન હશે. રશેલે ઓસ્ટ્રેલિયા માટે એક દાયકાથી વધુ સમય સુધી ઓસ્ટ્રેલિયન મહિલા ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ દરમિયાન તેણે 84 T20, 77 ODI અને 6 ટેસ્ટ મેચ રમી છે.
ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ મહિલા ક્રિકેટર રશેલ હેન્સે નિવૃત્તિની જાહેરાત કરતા જણાવ્યું છે કે, ઘણા લોકોના સમર્થન વિના આ સ્તરે ક્રિકેટ રમવું શક્ય ન હતું. હું ક્લબ, રાજ્ય, કોચ, પરિવાર અને મિત્રોનો આભારી છું. જેણે મારી ક્રિકેટ કારકિર્દીમાં મને ખૂબ મદદ કરી. ખાસ કરીને, હું મારા માતા-પિતા ઇયાન અને જેની અને મારા જીવનસાથી લેહને તેમના અતૂટ સમર્થન માટે આભાર માનું છું.
રશેલે જણાવ્યું કે, હું મારા તમામ સાથી ખેલાડીઓના કારણે આટલા લાંબા સમય સુધી ક્રિકેટ રમી છું. તમે મને દરરોજ વધુ સારા બનવાની પ્રેરણા આપી છે. મેદાનની અંદર અને બહાર દરેક જગ્યાએ હું તમારી પાસેથી કંઈક શીખ્યો છું. તમે મને એક ખેલાડી તરીકે પડકાર્યો છે. મને એક વ્યક્તિ તરીકે આગળ વધવામાં મદદ કરી અને સૌથી અગત્યનું ક્રિકેટને મજેદાર બનાવ્યું છે.
રશેલે ઓસ્ટ્રેલિયા વિમેન્સ ક્રિકેટ તરફથી રમતા તેના આંતરરાષ્ટ્રીય કરિયરમાં લગભગ 4 હજાર રન બનાવ્યા છે. તેણે 2009માં ઈંગ્લેન્ડ સામે તેની ડેબ્યૂ ટેસ્ટમાં 98 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે વનડેમાં 2 સદી અને 19 અડધી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા ટીમના ઝડપી ફિલ્ડરમાં હેન્સનો સમાવેશ થાય છે. તેણે 2017 ICC મહિલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. આ સિવાય તેણે આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ઓસ્ટ્રેલિયા માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.