વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તાજેતરમાં એક અહેવાલ આવ્યો હતો કે, મુંબઈ ઈન્ડિયન્સે આ સિઝનની હરાજી પહેલા પોલાર્ડને રિલીઝ કરી દીધો છે. 12 વર્ષ સુધી મુંબઈ તરફથી રમ્યા બાદ પોલાર્ડને મુંબઈ દ્વારા બહાર કરવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. હવે તેણે IPL માંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. પોલાર્ડે નિવૃત્તિ માટે એક લાંબી પોસ્ટ લખી છે, જેમાં તેણે કહ્યું છે કે તે હજુ થોડા વર્ષ રમવા માંગતો હતો પરંતુ મુંબઈ સાથે વાત કર્યા બાદ તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કરી લીધો છે.

પોલાર્ડે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘મુંબઈ ઇન્ડિયન્સને બદલાવની જરૂર છે. જો હું અત્યારે મુંબઈ ઈન્ડિયન્સ માટે નહીં રમી શકું તો હું મારી જાતને મુંબઈ સામે પણ રમતા જોઈ શકતો નથી. હું કાયમ મુંબઈનો રહીશ.”

પોલાર્ડે તેની આખી કારકિર્દી મુંબઈ સાથે વિતાવી અને 171 ઇનિંગ્સમાં 3412 રન બનાવ્યા છે. આઇપીએલમાં પોલાર્ડની બેટિંગ એવરેજ 28.67 હતી, જ્યારે તેની કારકિર્દીનો સ્ટ્રાઇક રેટ 147.32 હતો. 16 અડધી સદી ફટકારનાર પોલાર્ડને લીગના સર્વશ્રેષ્ઠ ફિનિશરોમાં ગણવામાં આવે છે. છેલ્લા એક દાયકાથી વધુ સમયથી મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાં સૌથી વધુ સાતત્યપૂર્ણ નામ ધરાવતા પોલાર્ડની ગત સિઝન નિરાશાજનક રહી હતી. તેણે ગત સિઝનમાં 11 મેચોમાં 14.40 ની નબળી સરેરાશ સાથે માત્ર 144 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ પણ માત્ર 107.46 રહ્યો હતો.