ભારતીય ટીમ છ વર્ષ બાદ ઝિમ્બાબ્વેમાં વનડે સીરીઝ રમશે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી બાદ ત્યાં જશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમ ઝિમ્બાબ્વેમાં ત્રણ વનડે રમશે. 18, 20 અને 22 ઓગસ્ટના રોજ મેચો યોજાશે. બીસીસીઆઈએ હજુ સુધી આ પ્રવાસ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તેણે શેડ્યૂલ પણ જાહેર કર્યું નથી.

બોર્ડ ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે બીજા દરજ્જાની ટીમ મોકલી શકે છે. વેસ્ટ ઈન્ડિઝમાં ODI રમી રહેલી ટીમને જ ત્યાં મોકલી શકાય છે. શિખર ધવન તેનો કેપ્ટન છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આ શ્રેણી અંગે ઝિમ્બાબ્વેના પૂર્વ કોચ લાલચંદ રાજપૂતે કહ્યું, “ભારત સામેની શ્રેણી ઝિમ્બાબ્વે માટે મોટી તક છે. આનાથી ત્યાંની યુવા પેઢીમાં ક્રિકેટ પ્રત્યે રૂચિ પેદા થશે. ઝિમ્બાબ્વે માટે આ એક શાનદાર સીરીઝ સાબિત થઈ શકે છે.

ભારતીય ટીમ 2016 પછી પ્રથમ વખત ત્યાં વનડે શ્રેણી રમવા જઈ રહી છે. છેલ્લી વખત ત્રણ મેચની વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાએ 3-0થી જીત મેળવી હતી. આ પહેલા 2015માં ત્રણ મેચની સિરીઝમાં 3-0થી અને 2013માં પાંચ મેચની સિરીઝમાં 5-0થી સફળતા મેળવી હતી. 1998માં ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સીરીઝ 2-1થી જીતી હતી. જયારે, ઝિમ્બાબ્વેએ 1997માં બે મેચની શ્રેણીમાં 1-0થી જીત મેળવી હતી. 1992માં પ્રથમ વખત ટીમ ઈન્ડિયાએ ત્યાં વનડે શ્રેણી રમી હતી. ત્યારે માત્ર એક જ મેચ હતી. જેમાં ભારતનો વિજય થયો હતો.

ભારતે ઝિમ્બાબ્વેમાં અત્યાર સુધી 17 વનડે રમી છે. આ દરમિયાન તેણે 15 જીત મેળવી છે. તે બે મેચ હારી ચૂક્યો છે. 1997માં ઝિમ્બાબ્વેએ ભારતને આઠ વિકેટે હરાવ્યું હતું. તે પછી 30 સપ્ટેમ્બર 1998માં તે જીતી ગયો. ત્યારબાદ હરારેમાં ભારતનો 37થી પરાજય થયો હતો. તે મેચ બાદથી ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેમાં એક પણ વનડે મેચ હારી નથી. આ દરમિયાન તેણે સતત 11 મેચ જીતી છે.