ટી-20 ફોર્મેટમાં ભારતીય ઓપનરોની રમત સતત નિરાશાજનક રહી છે અને હવે તેમાં ફેરફારની માંગ કરવામાં આવી રહી છે. હાલમાં જ વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે રિષભ પંતને ઓપનિંગમાં તક આપવાની વાત કરી હતી. તાજેતરના સમયમાં પંતને ભારતીય T20 ટીમમાં સ્થાન મળ્યું નથી અને તેના બેટિંગ ક્રમમાં ફેરફારની માંગ કરવામાં આવી રહી છે. જોકે, આકાશ ચોપરાનું માનવું છે કે, પંતની બેટિંગમાં ફેરફાર કરવાને બદલે ભારતે ફોર્મમાં રહેલા પૃથ્વી શોને તક આપવી જોઈએ.

મારા મગજમાં પ્રથમ વિકલ્પ આવે છે તે છે પૃથ્વી શૉ. તે સ્વાભાવિક રીતે જ આક્રમક બેટ્સમેન છે. ઘણા લોકો કહે છે કે તે ફિટ નથી, પરંતુ હું કહું છું કે, તમે તેના આંકડાઓ જુઓ કારણ કે તે એવો બેટ્સમેન છે જે મેચને પલટી શકે છે. જો તમે રોકેટ સ્ટાર્ટ કરવા માંગો છો, તો તે તમને આપી શકે છે. હું એમ નથી કહેતો કે, તે દરેક મેચમાં આવું કરશે. બટલર, હેલ્સ કે અન્ય કોઈ બેટ્સમેન દરેક મેચમાં પ્રદર્શન કરે તેવી અપેક્ષા રાખી શકાય નહીં.

પૃથ્વી શો આ વર્ષે રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે રહ્યો હતો. તેણે 10 મેચમાં 36.88 ની એવરેજથી 332 રન બનાવ્યા હતા. ટૂર્નામેન્ટમાં એક સદી અને અડધી સદી ફટકારનાર શોનો સ્ટ્રાઈક રેટ 181.42 નો રહ્યો હતો. ગયા વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ શોએ 10 મેચમાં 283 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બે અડધી સદી ફટકારી હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 153 હતો.