વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલે માત્ર 35 બોલમાં અણનમ 64 રન ફટકારીને ટીમ ઈન્ડિયાને લગભગ હારેલી જીત અપાવી દીધી હતી. આ વિસ્ફોટક ઇનિંગમાં અક્ષરે 3 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ સાથે તેણે મહેન્દ્ર સિંહ ધોનીનો 17 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો હતો. આ સિવાય અક્ષરે પાકિસ્તાનના શોએબ મલિકનો રેકોર્ડ પણ તોડ્યો હતો.

એમએસ ધોનીએ 17 વર્ષ પહેલા ઝિમ્બાબ્વે સામે સિક્સરનો ખાસ રેકોર્ડ બનાવ્યો હતો, જેને અક્ષર પટેલે તોડી નાખ્યો છે. વાસ્તવમાં, ધોનીએ 2005 માં ઝિમ્બાબ્વે સામે લક્ષ્યનો પીછો કરતી વખતે સાતમાં નંબર પર ત્રણ સિક્સર ફટકારી હતી. જ્યારે છ વર્ષ બાદ 2011 માં યુસુફ પઠાણે પણ સાતમાં નંબર પર ત્રણ સિક્સર ફટકારી મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. પરંતુ હવે અક્ષર પટેલે આ રેકોર્ડને તોડી નાખ્યો છે.

ODI ક્રિકેટના ઈતિહાસમાં 300 થી વધુ રનના લક્ષ્યનો પીછો કરતી વખતે સદી વગર સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકોર્ડ હવે અક્ષર પટેલના નામે થઈ ગયો છે. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિકના નામે હતો.

વેસ્ટ ઈન્ડિઝે બીજી વનડેમાં ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને શાઈ હોપની સદી અને કેપ્ટન નિકોલસ પૂરનની વિસ્ફોટક અડધી સદીને કારણે 311 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે લક્ષ્યાંકનો પીછો બે બોલ બાકી રહેતા આઠ વિકેટે કરી લીધો હતો. ભારત તરફથી અક્ષર પટેલે અણનમ 64, શ્રેયસ અય્યરે 63 અને સંજુ સેમસને 54 રન બનાવ્યા હતા.