ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સતત ચાલુ છે. કાઉન્ટી ક્રિકેટમાં તેમને સિઝનની પાંચમી સદી ફટકારી છે. ચેતેશ્વર પૂજારાએ ઇંગ્લેન્ડ સામે ભારતની પાંચમી ટેસ્ટ પહેલા રમાયેલી ચાર કાઉન્ટી મેચોમાં પણ સદી ફટકારી હતી. આ રીતે તે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે.

ચેતેશ્વર પૂજારાએ કાઉન્ટી ડિવિઝન 2 માં મિડલસેક્સ સામે સસેક્સ તરફથી રમતા પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. તેના સિવાય ટોમ અલ્સોપે પણ શાનદાર સદી ફટકારી હતી. આ સમાચાર લખવામાં આવ્યા ત્યાં સુધીમાં ચેતેશ્વર પૂજારા 108 રન બનાવીને રમી રહ્યો હતો. તેની સાથે અલ્સોપ પણ 139 રનના વ્યક્તિગત સ્કોર સાથે ક્રિઝ પર રહ્યો હતો. આ રીતે બંનેએ મળીને 200 થી વધુ રનની ભાગીદારી નોંધાવી હતી.

તેમ છતાં સસેક્સના બેટ્સમેન એલિસ્ટર ઓર અને ટોમ ક્લાર્ક જલ્દી આઉટ થઈ ગયા હતા. બંનેએ અનુક્રમે 7 અને 33 ના વ્યક્તિગત સ્કોર કર્યા હતા. અહીંથી પૂજારા અને અલ્સોપે સ્કોરને 300 થી પાર પહોંચાડી દીધો હતો.

ભારતીય ટીમમાં વાપસી પણ પૂજારાએ કાઉન્ટી રમીને કરી હતી. પૂજારાએ ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારી હતી. આ અગાઉ તેણે કાઉન્ટી ક્રિકેટમાં સતત ચાર સદી ફટકારી હતી જેમાં બે બેવડી સદીનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ફ્લોપ રહેતા તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે રણજી ટ્રોફીમાં પણ રમ્યો હતો અને બાદમાં કાઉન્ટી ટીમ માટે ઈંગ્લેન્ડ ગયો હતો. હવે ફરી એકવાર તે ફોર્મમાં છે.