કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ભારતે આજે ટેબલ ટેનિસમાં વધુ એક મેડલ જીત્યો છે. હકીકતમાં, મેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસ મેચમાં ભારતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી સાથિયાન ગણનાશેખરને ઇંગ્લેન્ડના પોલ ડ્રિંકલને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ઈંગ્લેન્ડના પોલ ડ્રિંકહોલ સામે બ્રોન્ઝ મેડલ માટે ભારતના સાથિયાને શાનદાર રમત દેખાડી હતી. બંને વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક અને કાંટાની હતી. પરંતુ આ મેચમાં સાથિયાને શાનદાર પ્રદર્શન કરીને (11-9 11-3 11-5 8-11 9-11 10-12 11-9) જીત મેળવી હતી. આ જીત સાથે તેણે ટેબલ ટેનિસમાં ભારતની બેગમાં વધુ એક મેડલનો ઉમેરો કર્યો છે. તમને જણાવી દઈએ કે, કોમનવેલ્થ ગેમ્સની સિંગલ મેચમાં સાથિયાનનો આ પ્રથમ મેડલ છે. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત માટે આ 58 મો મેડલ છે.

ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે મેન્સ સિંગલ બેડમિન્ટનની અંતિમ મેચમાં મલેશિયાના જી યોંગ એનજીને હરાવ્યો હતો. લક્ષ્ય સેને જી યોંગ સામે 19-21, 21-9, 21-16થી જીત નોંધાવી હતી.

જ્યારે ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ તેની સિદ્ધિઓમાં વધુ એક મોટી સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેણે કોમનવેલ્થ ગેમ્સ 2022માં મહિલા સિંગલ્સ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં સિંગલ ઈવેન્ટમાં આ તેનો પ્રથમ ગોલ્ડ મેડલ છે.