ભારતના ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને પસંદગીકાર સબા કરીમે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ 2022 ને લઈને મોટો દાવો કર્યો છે. તેમને આશા છે કે, લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને આ મેગા ઈવેન્ટ માટે ભારતની ટીમમાં સ્થાન મળશે. સબા કરીમે એ પણ જણાવ્યું છે કે, શા માટે ટી-20 વર્લ્ડ કપ માટે અર્શદીપનો દાવો કન્ફર્મ છે. અર્શદીપ અત્યાર સુધી અડધો ડઝન આંતરરાષ્ટ્રીય મેચ પણ રમ્યો નથી, પરંતુ તેમ છતાં ભૂતપૂર્વ પસંદગીકારને લાગે છે કે તેને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળશે.

ભૂતપૂર્વ પસંદગીકાર સબા કરીમે આશા વ્યક્ત કરી છે કે, ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ 2022 ટી-20 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મેળવી શકશે. નામી ચેનલથી વાતચીત કરતા, તેમને જણાવ્યું કે, “મને અર્શદીપ સિંહ પાસેથી ઘણી આશાઓ છે કારણ કે, તે હુમલામાં ઘણી વિવિધતા લાવે છે. ઉપરાંત તે ઓવર્સના સ્લોટની દ્રષ્ટિએ સારી પ્રતિભા ધરાવે છે જેમાં તે આવીને બોલિંગ કરી શકે છે. તેની સાથે તે દરરોજ શીખી રહ્યો છે અને તમને પોતાના આક્રમણમાં આવી રીતના ડાબા હાથના બોલરની જરૂરીયાત છે, જેમાં આટલી વિવિધતા હોય. તેથી મને લાગે છે કે, તે વર્લ્ડ કપની પસંદગીના સંદર્ભમાં પસંદગીના ક્રમમાં ખૂબ જ ઉપર છે.”

23 વર્ષીય અર્શદીપ સિંહે ભલે અત્યાર સુધી માત્ર 4 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હોય અને તેમાં તેણે 6 વિકેટ ઝડપી હોય, પરંતુ તેણે 6.52ની ઈકોનોમીથી બોલિંગ કરી છે. જ્યારે પણ કેપ્ટન રોહિત શર્માએ તેને બોલિંગની જવાબદારી આપી છે ત્યારે તેણે કા તો વિકેટ લીધી છે અથવા તો તે રન રોકવામાં સફળ રહ્યો છે, જેથી બીજા છેડેથી બોલરને વિકેટ લેવામાં સફળતા મળી છે. સારી વાત એ છે કે, તે પ્રથમ ઓવરથી લઈને 20 મી ઓવર સુધી કોઈ પણ ડર વિના કરી શકે છે અને તેણે આઈપીએલ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ઘણી વખત આવું કર્યું છે, જ્યાં તે પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યા છે.