Asia Cup : ભારત અને પાકિસ્તાન મેચ પર ICC ની મોટી કાર્યવાહી, આ મામલે બંને ટીમને ફટકાર્યો દંડ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે જણાવ્યું હતું કે, એશિયા કપ 2022 ગ્રુપ A મેચમાં ભારત અને પાકિસ્તાનને ‘ધીમી ઓવર રેટ’ માટે મેચ ફીના 40 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. રવિવારની મેચ દરમિયાન રોહિત શર્મા અને બાબર આઝમની ટીમો પોતપોતાના નિર્ધારિત સમય કરતાં બે ઓવર ઓછી ફેંકતા ICC એલિટ પેનલ ઓફ મેચ રેફરીના જેફ ક્રોએ કાર્યવાહી કરી હતી.
ICC એ સ્લો ઓવર રેટ માટે ભારતીય ટીમ પર 13.20 લાખ રૂપિયા અને પાકિસ્તાની ટીમ પર 5.92 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ICC એ જણાવ્યું કે, “ખેલાડીઓ અને પ્લેયર સપોર્ટ પર્સોનલ માટે ICC કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.22 અનુસાર, જે ન્યૂનતમ ઓવર-રેટના મુદ્દા સાથે કામ કરે છે. આ સંબંધમાં ખેલાડીઓને તેમની મેચ ફીના 20 ટકા પ્રતિ ઓવરનો દંડ ફટકારવામાં આવે છે જે તેમની ટીમ નિર્ધારિત સમયમાં બોલિંગ કરવામાં નિષ્ફળ રહે છે.
આ માટે બંને કેપ્ટનોને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને બંને કેપ્ટનોએ પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો, તેથી આ મામલે ઔપચારિક સુનાવણીની જરૂર નહોતી. મેદાન પરના અમ્પાયર મસુદુર રહેમાન અને રૂચિરા પિલિયાગુરુગે, ત્રીજા અમ્પાયર રવિન્દ્ર વિમલાસિરી અને ચોથા અમ્પાયર ગાઝી સોહેલે આ આરોપો લગાવ્યા હતા.
દુબઈમાં રમાયેલી એશિયા કપની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 147 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરના બે બોલ બાકી રહેતાં માત્ર 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટનો પીછો કરી લીધો હતો. હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી દીધી હતી.
ભારતની આ જીતનો હીરો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા રહ્યા હતા. હાર્દિકે પહેલા બોલિંગમાં ત્રણ વિકેટ લીધી અને પછી બેટિંગમાં ચાર ચોગ્ગા અને એક સિક્સરની મદદથી અણનમ 33 રન બનાવ્યા છે. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે ભારતે 15 મી ઓવરમાં માત્ર 89 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી.