Asia Cup : ભારતીય ટીમે 8 મી વખત જીત્યો એશિયા કપ, પાંચમી વખત ફાઈનલમાં શ્રીલંકાને હરાવ્યું

ભારતીય અંડર-19 ટીમે 8 મી વખત એશિયા કપનું ટાઈટલ જીત્યું છે. શુક્રવારના રમાયેલી ફાઇનલ મેચમાં ટીમે શ્રીલંકાને ડકવર્થ લુઇસ નિયમ અનુસાર 9 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 9 વિકેટે 106 રન બનાવ્યા હતા. પરંતુ ડકવર્થ લુઈસ નિયમ અનુસાર ભારતીય ટીમને 102 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે 21.3 ઓવરમાં એક વિકેટે ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. મેચમાં ડાબોડી સ્પિનર વિકી ઓસ્તવાલે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 8 ઓવરમાં માત્ર 11 રન આપ્યા અને 3 વિકેટ પણ લીધી હતી. ઓફ સ્પિનર કૌશલ તાંબેએ પણ 2 વિકેટ ઝડપી હતી. આ અગાઉ ટીમે સેમીફાઈલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. તેની સાથે જ શ્રીલંકાની ટીમ પાકિસ્તાનને હરાવીને ટાઈટલ રાઉન્ડમાં પહોંચી હતી. વરસાદને કારણે મેચને 38-38 ઓવરની કરવામાં આવી હતી.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય અંડર-19 ની શરૂઆત સારી રહી નહોતી. ઓપનર બેટ્સમેન હરનૂર સિંહ માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ટીમે 8 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી અંગક્રિશ રઘુવંશી (56*) અને શેખ રાશિદ (31*) એ ટીમને વધુ ઝટકો ન લાગવા દીધો નહોતો. અંગક્રિશે 67 બોલનો સામનો કર્યો હતો. 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તે જ સમયે, રશિદે 49 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે 47 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે શ્રીલંકાનો સ્કોર 33 ઓવરમાં 7 વિકેટે 74 રન હતો. ત્યાર બાદ વરસાદ વરસ્યો હતો. જેના કારણે કલાકો સુધી રમત અટકી પડી હતી. ત્યાર બાદ જ્યારે મેચ ફરી શરૂ થઈ ત્યારે તેને 38-38 ઓવરની કરી દેવાઈ હતી. શ્રીલંકા તરફથી 6 ખેલાડીઓ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા નહોતા. નંબર 10 બેટ્સમેન યાસિરો રોડ્રિગોએ સૌથી વધુ અણનમ 19 રન બનાવ્યા હતા.
આ ટૂર્નામેન્ટની 9મી સિઝન છે. ભારતીય અંડર-19 ટીમ આઠમી વખત ફાઇનલમાં પહોંચી અને અને દરેક વખતે ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. આ પહેલા જો 7 ફાઈનલની વાત કરવામાં આવે તો ટીમે 4 વખત ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું છે. એટલે કે ફાઇનલમાં ટીમે શ્રીલંકાને 5 મી વખત હરાવ્યું હતું. એક વખત પાકિસ્તાનને હરાવ્યું અને ફરી એકવાર બાંગ્લાદેશને. 2012 માં મેચ ટાઈ થયા બાદ ભારત અને પાકિસ્તાન બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.