2022 એશિયા કપમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલી અને અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર ફરીદ અહમદ મલિક વચ્ચે ટક્કર થઈ ગઈ હતી. બંને ટીમો વચ્ચેની મેચ એટલી તંગ બની ગઈ હતી કે, આસિફ અલી અને ફરીદ અહેમદ વચ્ચે મારામારી થઈ ગઈ હતી. તે જ સમયે, આ ઘટના પર ICC દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

ICC એ કરી મોટી કાર્યવાહી

આ ઘટનાની નોંધ લેતા ICC એ પાકિસ્તાની બેટ્સમેન આસિફ અલી અને અફઘાનિસ્તાનના બોલર ફરીદ અહેમદ મલિક સામે મોટી કાર્યવાહી કરી છે. ICC એ બંને ખેલાડીઓને મેચ ફીનો 25 ટકા દંડ ફટકાર્યો છે.

ICC એ જણાવ્યું છે કે, આસિફે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ICC આચાર સંહિતાની કલમ 2.6 નું ઉલ્લંઘન કર્યું છે, જે ખેલાડી અને તેના સહાયક વ્યક્તિ સાથે સંબંધિત છે. જ્યારે ફરીદે આર્ટિકલ 2.1.12 તોડ્યો છે જે ખેલાડીઓ, સહાયક કર્મચારીઓ, અમ્પાયરો અને મેચ રેફરીઓના અયોગ્ય શારીરિક વર્તન સાથે સંબંધિત છે. તેને જોતા ICC એ બંને ખેલાડીઓની મેચ ફીના 25 ટકાનો મોટો દંડ ફટકાર્યો છે.

દુબઈમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ દરમિયાન જ્યાં મેદાન પર ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી થતી જોવા મળી હતી, તો મેદાનની બહાર બંને ક્રિકેટ ટીમના ચાહકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પેવેલિયનમાં ભારે હંગામો થયો હતો અને ચાહકો એકબીજાને લાતો મારતા અને મુક્કા મારતા અને ખુરશીઓ ફેંકતા જોવા મળ્યા હતા.