ઓસ્ટ્રેલિયાએ બીજી ODI માં ઈંગ્લેન્ડને 72 રનથી હરાવીને ત્રણ મેચની ODI સીરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 280 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 208 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં પેટ કમિન્સને આરામ આપ્યો હતો અને જોશ હેઝલવુડ ટીમનું સુકાન સંભાળી રહ્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 43 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેને ત્રીજી વિકેટ માટે 101 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. લાબુશેન 58 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ ત્યારબાદ સ્મિથે મિચેલ માર્શ સાથે પાંચમી વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી. સ્મિથ 94 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો. માર્શે પણ 50 રનની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી આદિલ રાશિદે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ક્રિસ વોક્સ અને ડેવિડ વિલીએ પણ બે-બે વિકેટ લીધી હતી.

સ્કોરનો પીછો કરતા ઇંગ્લેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને પ્રથમ ઓવરમાં જ મિચેલ સ્ટાર્કે તેમને બે ઝટકા આપ્યા હતા. ઈંગ્લેન્ડે 34 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી જેમ્સ વિન્સ અને સેમ બિલિંગ્સે ચોથી વિકેટ માટે 122 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. વિન્સ 60 રન બનાવીને આઉટ થયો અને તે પછી ઈંગ્લેન્ડની વિકેટો પડવાની શરૂઆત થઈ ગઈ હતી.. બિલિંગ્સ પણ 71 રન બનાવીને આઉટ થયો હતો અને ઈંગ્લેન્ડે 169 રનમાં તેની સાત વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ વધુ અંતિમ બેટ્સમેનો વધુ લડત આપી શક્યા નહીં અને સમગ્ર ટીમ 38.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.