બાબર અને રિઝવાને સદીની ભાગીદારી કરીને બનાવ્યો મોટો રેકોર્ડ, આવું કરનારી પ્રથમ જોડી બની

મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની જોડીએ T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઈનલમાં પાકિસ્તાન માટે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી અને આ ભાગીદારી સાથે બંનેએ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. વર્તમાન ટુર્નામેન્ટમાં અત્યાર સુધી બંને બેટ્સમેનો બેટથી રન બનાવી શક્યા ન હતા, પરંતુ ટુર્નામેન્ટની સૌથી મહત્વની મેચમાં બંનેએ પોતાની ટીમ માટે શાનદાર ઇનિંગ્સ રમી હતી.
બાબર અને રિઝવાને T20 વર્લ્ડ કપમાં ત્રીજી વખત સદીની ભાગીદારી કરી છે, આ સાથે આ બંને T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત 100 કે તેથી વધુ રનની ભાગીદારી કરનાર પ્રથમ જોડી બની ગઈ છે. અત્યાર સુધી એવી પાંચમી જોડી છે જેણે T20 વર્લ્ડ કપમાં બે વખત 100 કે તેથી વધુ રનની ભાગીદારી કરી છે. આ યાદીમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ પણ સામેલ છે.
પાકિસ્તાની બોલરોએ મેચની જબરદસ્ત શરૂઆત કરી અને ઈનિંગના ત્રીજા બોલ પર કીવી ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. ત્યાર બાદ ન્યૂઝીલેન્ડની ત્રણ વિકેટ 49 રનમાં પડી ગઈ હતી. કેન વિલિયમસને 46 રનની ઇનિંગ રમીને પોતાની ટીમને સંભાળવાનું કામ કર્યું, પરંતુ શાહીન આફ્રિદીએ 17મી ઓવરમાં વિલિયમસનને આઉટ કરીને પાકિસ્તાનને વાપસીની તક આપી હતી. ડેરીલ મિશેલે 35 બોલમાં અણનમ 53 રન ફટકારીને કીવી ટીમને સારા સ્કોર સુધી પહોંચાડી હતી.