કરાચીમાં રમાયેલી T20 સીરીઝ બીજી મેચમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને તોફાની ઇનિંગ્સ રમીને ટીમને જીત અપાવી હતી. બાબરે અણનમ 110 રનની સદી ફટકારી હતી. આ સદી સાથે બાબરે T20 માં એક ખાસ રેકોર્ડ બનાવ્યો અને ભારતીય કેપ્ટન રોહિત શર્માની બરાબરી કરી લીધી હતી.

કરાચીમાં ઈંગ્લેન્ડ સામે 110 રનની શાનદાર અણનમ સદી રમીને બાબર T20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે બે સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. તેના પહેલા આ કારનામું ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને સ્વિટ્ઝર્લેન્ડના કેપ્ટન ફહીમ નઝીર કરી ચૂક્યા છે. તે આ બંને બાદ આ ક્લબમાં સામેલ થનાર તે ત્રીજા ખેલાડી બની ગયા છે. આ ક્લબમાં સામેલ થવાની સાથે બાબરે T20માં 8 હજાર રન પણ પૂરા કરી લીધા છે.

પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ એશિયા કપ 2022 થી પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. તેને પોતાના ફોર્મ માટે ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, તેના ખરાબ ફોર્મના કારણે બાબરને ICC T20 બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પણ ગુમાવવું પડ્યું હતું. જો કે, એશિયા કપ પછી અને T20 વર્લ્ડ કપ પહેલા, બાબરે ઇંગ્લેન્ડ સામેની ઘરેલું T20 શ્રેણીમાં ફરીથી શાનદાર ફોર્મમાં વાપસી કરી છે. ફોર્મમાં પરત ફરતા, તેણે T20 સીરીઝની બીજી મેચમાં અણનમ 110 રન બનાવ્યા અને પાકિસ્તાનને 10 વિકેટથી મેચ જીતવામાં મદદ કરી હતી. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનું તેના જૂના ફોર્મમાં આવવાથી પાકિસ્તાન ટીમને ઘણી રાહત મળશે.