એશિયા કપ 2022માં સુપર 4 પહેલા ભારતને ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે બહાર થઈ ગયો છે. તેમના સ્થાને અક્ષર પટેલને ટીમમાં સ્થાન મળ્યું છે. રવિન્દ્ર જાડેજાએ પાકિસ્તાન સામે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે હાર્દિક પંડ્યા સાથે પાર્ટનરશિપ રમીને ભારતને જીત અપાવી હતી. ઈજાના લીધે જાડેજા આગામી મેચોમાં રમી શકશે નહીં.

ભારતીય ટીમ તેની સુપર-4 ની પ્રથમ મેચ 4 સપ્ટેમ્બરે રમશે. આ અગાઉ જાડેજાની ઈજા ટીમ માટે મોટો ઝટકો છે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. જાડેજાને બદલે અક્ષરને ટીમમાં તક મળી છે. જાડેજાને તેના જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જાડેજા હાલમાં BCCI ની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેલ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 29 બોલમાં 2 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 35 રન બનાવ્યા હતા. જાડેજા અને પંડ્યા વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા આસાનીથી જીતી ગઈ હતી. પરંતુ હવે જાડેજા ઈજાના કારણે બહાર થવું પડ્યું છે.

અક્ષર ભારતના સારા ખેલાડીઓની યાદીમાં સામેલ છે. તેણે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામે સારો દેખાવ કર્યો હતો. તે બોલિંગની સાથે બેટિંગમાં પણ નિષ્ણાત છે.