ભારત સામે બાંગ્લાદેશની ODI ટીમની જાહેરાત, શાકિબ અલ હસનની વાપસી

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ભારત સામે રમાનારી ત્રણ વનડે સીરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. BCB પસંદગીકારો દ્વારા જાહેર કરવામાં આવેલી 16 સભ્યોની ટીમમાં પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસનની વાપસી થઈ છે. ભારત સામેની વનડે સીરીઝ દરમિયાન ટીમની કમાન તમીમ ઈકબાલના હાથમાં રહેશે. શાકિબે આ વર્ષે માર્ચમાં બાંગ્લાદેશ માટે છેલ્લી વનડે રમી હતી. ત્યાર બાદ તેમને વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની વનડે સીરીઝ દરમિયાન બ્રેક લીધો હતો.
ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં શાકિબ અલ હસને ટીમની કમાન સંભાળી હતી. જોકે બાંગ્લાદેશ વિશ્વના છેલ્લા ચારમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. નઝમુલ હુસૈન અને યાસિર અલી ભારત સામે જાહેર કરાયેલી ODI ટીમમાં પરત ફર્યા છે. જ્યારે બેટર મોસ્સેદ હુસૈન, સ્પિનર તૈજુલ ઈસ્લામ અને ફાસ્ટ બોલર શોરીફુલ ઈસ્લામને ODI ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ભારતીય ટીમ 7 વર્ષ બાદ બાંગ્લાદેશના પ્રવાસે જઈ રહી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2015માં બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 ડિસેમ્બરથી વનડે સીરીઝ શરૂ થશે. સિરીઝની પ્રથમ મેચ એ જ દિવસે ઢાકામાં રમાશે. આ પછી 7 ડિસેમ્બરે બીજી મેચ પણ ઢાકામાં જ રમાશે. અને 10 ડિસેમ્બરે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ચટગાંવમાં થશે. વનડે શ્રેણી બાદ બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે.
ભારત સામે બાંગ્લાદેશની વનડે ટીમ
તામીમ ઈકબાલ (કેપ્ટન), લીટોન દાસ, અનામુલ હક, શાકિબ અલ હસન, મુશ્ફિકુર રહીમ, અફીફ હુસૈન, યાસિર અલી, મેહદી હસન મિરાજ, મુસ્તાફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, ઈબાદત હુસૈન, નસુમ અહેમદ, મહમુદુલ્લાહ રિયાદ, નજમુલ હોસૈન અને નુરુલ હસન.