કેરળના ફાસ્ટ બોલર બેસિલ થમ્પીએ શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું અને તેની પ્રથમ જ મેચમાં જબરદસ્ત બોલિંગ કરી હતી. થમ્પીને આગામી મેચોમાં પણ આવું જ કંઈક કરવાની આશા છે.

દિલ્હી કેપિટલ્સ સામે કેપ્ટન રોહિત શર્માએ બેસિલ થમ્પી પર વિશ્વાસ દર્શાવ્યો અને તેણે તેના પર બતાવેલ વિશ્વાસને સંપૂર્ણ રીતે સાચો સાબિત કર્યો છે. થમ્પીએ પૃથ્વી શો, રોવમેન પોવેલ અને શાર્દુલ ઠાકુરના રૂપમાં 3 મહત્વની વિકેટ લીધી હતી.

મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્દનેએ આ ઝડપી બોલરને 3/35ના બોલિંગ આંકડા માટે ડ્રેસિંગ રૂમમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કર્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં થમ્પીએ પાંચ વખતની આઈપીએલ વિજેતા ટીમનો ભાગ બનવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમને જણાવ્યું છે કે, સ્પષ્ટ પણે, આ એક અદ્ભુત લાગણી છે. સૌથી પહેલા હું બે વર્ષ પછી આ મેચ રમી રહ્યો છું. આ લીલા રંગ પહેરવાનું અને Mi માટે રમવું એ મારા માટે સપનું છે. અમારા ડ્રેસિંગ રૂમમાં આ મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવીને ખૂબ જ ખુશ છું.

તેની સાથે તેમને જણાવ્યું છે કે, આ મહેલા જયવર્દને સર પાસેથી મળ્યું છે. તે મારા માટે પણ એક મહાન લાગણી હતી. હું ટીમ માટે મારું 120 ટકા કરીશ અને હું ખાતરી કરીશ કે, હું આગામી વખતે વધુ સારું કરીશ.

બેસિલ થમ્પીએ જ્યારે તે સિઝનમાં IPL માં ગુજરાત લાયન્સ માટે ડેબ્યૂ કર્યું ત્યારે તેણે બધાને પ્રભાવિત કર્યા હતા. પરંતુ તે પછી તેને વધુ તકો મળી ન હતી. આ સિઝનમાં તેના સારા પ્રદર્શન બાદ મુંબઈ ઈન્ડિયન્સ ચોક્કસપણે તેને નિયમિત તક આપશે.

તેમ છતાં થમ્પીના શાનદાર પ્રદર્શન છતાં, મુંબઈ ઈન્ડિયન્સ 178 રનના લક્ષ્યનો બચાવ કરી શકી ન હતી અને દિલ્હી કેપિટલ્સે 6 વિકેટના ગુમાવી 179 રન બનાવીને મેચ જીતી લીધી હતી.