ઈંગ્લેન્ડ પ્રવાસ પર 1 જુલાઈથી રમાનારી પાંચમી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થઈ શકે છે. આ ટેસ્ટ પહેલા રોહિત શર્મા કોરોના પોઝીટીવ આવતા તેમની રમવાની શક્યતા ઓછી થઈ ગઈ છે. જ્યારે બીસીસીઆઈએ ઓપનર મયંક અગ્રવાલને કવર તરીકે ઈંગ્લેન્ડ મોકલવાનો નિર્ણય લીધો છે. મયંક અગ્રવાલ 27 અથવા 28 જૂને ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે.

લેસ્ટરશાયર સામે રમાયેલી પ્રેક્ટિસ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. રોહિત શર્માને કોરોના વાયરસમાંથી બહાર આવતા પાંચ દિવસ લાગી શકે છે. આવી સ્થિતિમાં તેની પાસે મેચ ફિટ થવા માટે ઘણો ઓછો સમય હશે. ટીમ મેનેજમેન્ટ રોહિત શર્માના ફિટ થવાની આશા રાખી રહ્યું છે.

પરંતુ જો રોહિત શર્મા ફિટ નથી તો ટીમ ઈન્ડિયા સામે બેકઅપ ઓપનરની સમસ્યા ઊભી થઈ શકે છે. આથી બીસીસીઆઈએ મયંક અગ્રવાલને ઈંગ્લેન્ડ મોકલવાનો નિર્ણય લીધો છે. રોહિત શર્મા નહીં રમે તેવી સ્થિતિમાં શુભમન ગિલ સાથે મયંક અગ્રવાલ ઓપનિંગની જવાબદારી સંભાળતા જોવા મળી શકે છે.

કેપ્ટન અંગે કોઈ નિર્ણય નથી

BCCI રોહિત શર્માની ફિટનેસ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. BCCI એ હજુ સુધી એ નક્કી નથી કર્યું કે રોહિત શર્મા ના રમવાની સ્થિતિમાં ટીમની કમાન કોના હાથમાં રહેશે. જો કે, કેપ્ટન બનવાની રેસમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ આગળ છે. વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો દાવો પણ મજબૂત માનવામાં આવી રહ્યો છે.

ચાહકો અને અનુભવી ખેલાડીઓનું માનવું છે કે, પાંચમી ટેસ્ટ માટે વિરાટ કોહલીને ટીમની આગેવાની સોંપવામાં આવે. ચાહકોનું માનવું છે કે, વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારત આ શ્રેણીમાં 2-1 થી આગળ છે અને તેમને ટીમને સીરીઝ પોતાના નામે કરવાની તક મળવી જોઈએ.