ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમાવનારી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. ભારતના સ્ટાર ઓફ સ્પિનર આર અશ્વિન કોરોના પોઝેટીવ હોવાના લીધે ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેન્ડ જઈ શક્યા નથી. તેની સાથે જ ઈંગ્લેન્ડ પહોંચતાની સાથે જ ફેન્સ સાથે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની તસ્વીરો દેખાવા લાગી હતી. કોરોનાના ખતરાને જોતા બીસીસીઆઈએ તેના ખેલાડીઓને કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરવાની સૂચના આપી છે.

બીસીસીઆઈએ ખેલાડીઓને કોરોનાથી સાવચેત રહેવા જણાવ્યું છે. બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું છે કે, ઈંગ્લેન્ડમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. પરંતુ અમારા ખેલાડીઓએ સાવચેત રહેવું પડશે. અમે અમારા ખેલાડીઓને વધુ સાવચેત રહેવા માટે કહીશું.

ઈંગ્લેન્ડમાં તેમ છતાં કોરોનાનો ખતરો યથાવત છે. ઈંગ્લેન્ડમાં દરરોજ લગભગ 10 હજાર કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ખેલાડીઓની સુરક્ષા માટે, કોવિડ 19 પોઝિટિવ નીકળનાર ક્રિકેટરને પાંચ દિવસ માટે આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અશ્વિન સંપૂર્ણ રીતે ફિટ થવાની આશા

ટીમ ઈન્ડિયા માટે રાહતની વાત એ છે કે, અત્યાર સુધી આર અશ્વિન સિવાય અન્ય કોઈ ખેલાડી કોવિડ 19 પોઝિટિવ આવ્યો નથી. આ સાથે ટીમ મેનેજમેન્ટને આશા છે કે આર અશ્વિન પાંચમી ટેસ્ટની શરૂઆત પહેલા સ્વસ્થ થઈ જશે.

તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે 1 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ ગયા વર્ષે જ રમવાની હતી. પરંતુ તે સમયે પણ કોરોનાના કેસ સામે આવતાં આ ટેસ્ટ રદ કરવામાં આવી હતી.