ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે અજિંક્ય રહાણે અને ઈશાંત શર્મા જેવા અનુભવી ખેલાડીઓને વધુ એક મોટો ઝટકો આપવાનો નિર્ણય કર્યો છે. ટીમમાંથી બહાર થયા બાદ હવે આ બંને ખેલાડીઓનું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી છૂટા થવાનું નક્કી છે. તે જ સમયે, સીમિત ઓવરોમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલને બોર્ડ દ્વારા પુરસ્કાર આપવામાં આવ શકે છે. આ બંને ખેલાડીઓને BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળશે.

21 ડિસેમ્બરે યોજાનારી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં, BCCI કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓની નવી યાદી બહાર પાડશે. ટૂંક સમયમાં T20 ફોર્મેટમાં ટીમની કમાન સંભાળવા જઈ રહેલા હાર્દિક પંડ્યાને પ્રમોટ કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. હાર્દિક પંડ્યાને સી કેટેગરીમાંથી બી કેટેગરીમાં બઢતી આપવામાં આવશે.

રહાણે અને ઈશાંત શર્મા ઉપરાંત રિદ્ધિમાન સાહાને કેન્દ્રીય કરારમાંથી બહાર કરવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં સાહાને કહેવામાં આવ્યું હતું કે, તેને ફરીથી ટીમ ઈન્ડિયામાં સામેલ થવાની તક આપવામાં આવશે નહીં. ઈશાંત શર્મા અને રહાણેની ટીમ ઈન્ડિયામાં વાપસી પણ ઘણી મુશ્કેલ દેખાઈ રહી છે.

બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે. A+ શ્રેણીના ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયા આપવામાં આવે છે. A શ્રેણીના ખેલાડીઓને 5 કરોડ રૂપિયા મળે છે જ્યારે B શ્રેણીના ખેલાડીઓને વાર્ષિક 3 કરોડ રૂપિયા મળે છે. સી કેટેગરીના ખેલાડીઓને BCSI દ્વારા વાર્ષિક 1 કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવે છે.

સૂર્યકુમાર યાદવ હવે T-20 અને ODI માં ટીમનો મહત્વનો હિસ્સો બની ગયો હોવાથી તેને C કેટેગરીમાંથી B કેટેગરીમાં પ્રમોશન મળશે તે નિશ્ચિત છે. બીજી તરફ, શુભમન ગિલ વનડે અને ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો મહત્વનો ભાગ છે. શુભમન ગિલને પણ સી કેટેગરીમાંથી બીમાં પ્રમોટ કરવામાં આવશે. બીસીસીઆઈ ઈશાન કિશનને સી કેટેગરીમાં સ્થાન આપી શકે છે.