ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી જીતી લીધી છે. બુધવારે રાત્રે કેન્ટબરીમાં રમાયેલી સીરીઝની બીજી મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 88 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની સીરીઝ 2-0 ની અજેય સરસાઈ મેળવી લીધી છે. સીરીઝની પ્રથમ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. 1999 પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એક જ ધરતી પર ઈંગ્લેન્ડને વનડે સીરીઝમાં હરાવ્યું હોય.

આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન હરમનપ્રીત કૌરની યાદગાર સદી (143) ની મદદથી 333 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. હરમનપ્રીતે આ ઝડપી ઇનિંગ માત્ર 111 બોલમાં રમી હતી. તે અંત સુધી અણનમ રહી હતી. તેની સાથે હરલીન દેઓલ (58) અને સ્મૃતિ મંધાના (40) એ પણ મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. ઈંગ્લેન્ડના પાંચ મુખ્ય બોલરોને 1-1 વિકેટ મળી હતી.

334 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ટેમી (6) બીજી ઓવરમાં રનઆઉટ થયો હતો અને તે પછી રેણુકાએ આગામી બે ઈંગ્લિશ બેટ્સમેનોને ઝડપથી પેવેલિયન મોકલી દીધા હતા. ઈંગ્લેન્ડે 47 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી એલિસ (39), ડેની યાત (65) અને એમી જોન્સ (39) એ થોડો સમય લડત આપી પરંતુ તે અપૂરતી રહી હતી. સમગ્ર ઇંગ્લિશ ટીમ 44.2 ઓવરમાં 245 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. રેણુકાએ 57 રનમાં 4 વિકેટ લીધી હતી.

ભારતીય ટીમે આ શ્રેણીની પ્રથમ મેચમાં પણ એકતરફી જીત નોંધાવી હતી. ભારતીય બોલરોએ તે ODIમાં ઈંગ્લેન્ડને માત્ર 227/7 પર રોકી દીધું હતું. બાદમાં બેટ્સમેનોએ 45 મી ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો.