શ્રીલંકાએ એશિયા કપ 2022 ની ફાઇનલમાં પાકિસ્તાનને 23 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. સુપર ફોરની બે મેચ હારીને ભારત આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. પરંતુ તેના ખેલાડીઓએ સારો દેખાવ કર્યો હતો. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ભુવનેશ્વર કુમાર નંબર વન પર રહ્યો છે. જ્યારે સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી બીજા નંબરે છે. ભુવીની વાત કરીએ તો તેણે કુલ 11 વિકેટ ઝડપી હતી.

ભુવનેશ્વર ટીમ ઈન્ડિયાના સર્વશ્રેષ્ઠ બોલરોની યાદીમાં સામેલ છે. તેમણે એશિયા કપ 2022 ની 5 મેચમાં 11 વિકેટ ઝડપી હતી. આ મામલામાં શ્રીલંકાના વાનિન્દુ હસરાંગા બીજા નંબરે છે. તેણે 6 મેચમાં 9 વિકેટ લીધી હતી. પાકિસ્તાનનો મોહમ્મદ નવાઝ 8 વિકેટ સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. નવાઝની સાથે શાદાબ ખાન અને હેરિસ રઉફે પણ 8-8 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાનના બોલર મુજીબ ઉર રહેમાને 7 વિકેટ લીધી હતી.

જો આ ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ બોલિંગ ફિગરની વાત કરીએ તો આ રેકોર્ડ પણ ભુવીના નામે રહ્યો હતો. તેણે અફઘાનિસ્તાન સામે 4 ઓવરમાં માત્ર 4 રન આપીને 5 વિકેટ લીધી હતી. જ્યારે પાકિસ્તાનનો શાદાબ ખાન આ મામલે બીજા ક્રમે રહ્યો હતો. શાદાબે 2.4 ઓવરમાં 8 રન આપીને 4 વિકેટ લીધી હતી. પાકિસ્તાને આ મેચ હોંગકોંગ સામે રમી હતી. ત્રીજું સ્થાન પણ ભુવનેશ્વરના નામ પર હતું. તેણે પાકિસ્તાન સામે 26 રન આપીને 4 વિકેટ લીધી હતી.

એશિયા કપ 2022માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર:

ભુવનેશ્વર કુમાર – 11 વિકેટ

વાનિન્દુ હસરંગા – 9 વિકેટ

મોહમ્મદ નવાઝ – 8 વિકેટ

શાદાબ ખાન – 8 વિકેટ

હેરિસ રાઉફ – 8 વિકેટ