કોરોનાવાયરસની બીજી લહેર સામે સમગ્ર દેશ લડી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કિસ્સા વધી રહ્યા છે. હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે. દરેક વ્યક્તિ દવાઓ, બેડ અને ઓક્સિજન એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આ દરમિયાનમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કોરોનાને કારણે દિલ્હી કેપિટલ્સના સ્ટાર બોલર આર અશ્વિન આઈપીએલની 14 મી સીઝનથી પીછેહઠ કરી લીધી છે.

રવિચંદ્રન અશ્વિને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી દીધી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, હું આવતી કાલથી આ વર્ષની આઈપીએલમાંથી વિરામ લઈ રહ્યો છું. મારું કુટુંબ કોવિડ-19 સામે યુદ્ધ લડી રહ્યું છે અને હું આ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપવા માંગું છું. જો વસ્તુઓ યોગ્ય દિશામાં જાય, તો હું પાછા ફરવાની આશા રાખું છું.

આર અશ્વિન 5 મેચમાં માત્ર એક જ સફળતા હાંસલ કરવામાં સફળ રહ્યા

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સુપર ઓવર જીત્યા બાદ અશ્વિને આ ટ્વીટ કર્યું છે. દિલ્હી કેપિટલ્સને હવે તેની આગામી મેચ 27 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમવાની છે અને ટીમ અશ્વિન વિના મેદાનમાં ઉતરશે. હૈદરાબાદ ઉપર જીત મેળવ્યા બાદ પોઇન્ટ ટેબલમાં દિલ્હી બીજા નંબર પર પહોંચી ગયું છે.

પહેલા બેટિંગ કરતા દિલ્હીએ ૪ વિકેટે ૧૫૯ રન બનાવ્યા હતા, જેના જવાબમાં હૈદરાબાદ પણ નિર્ધારિત ઓવરમાં સાત વિકેટ માટે સમાન સ્કોર બનાવવામાં સફળ રહ્યું હતું. ત્યાર બાદ, સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સે મેચ જીતી લીધી હતી. જોકે, આ મેચમાં અશ્વિનને કોઈ સફળતા મળી શકી ન હતી. અશ્વિને 4 ઓવરમાં 27 રન આપ્યા હતા. એટલું જ નહીં, દિલ્હી કેપિટલ્સ માટે છેલ્લી 5 મેચમાં તે માત્ર એક વિકેટ જ લઇ શક્યા હતા.