PAK vs NZ: T20 વર્લ્ડ કપ 2022 પહેલા પાકિસ્તાનને મોટી જીત મળી છે. પાકિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડમાં ચાલી રહેલી ટ્રાઇ સિરીઝ જીતી લીધી છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ ત્રિકોણીય સીરીઝમાં બાબર આઝમના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમે જીત મેળવી છે. ક્રાઈસ્ટચર્ચમાં શુક્રવારે રમાયેલી આ ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું.

ફાઈનલ મેચમાં સુકાની બાબર આઝમે ટોસ જીતીને ન્યુઝીલેન્ડને પ્રથમ બેટીંગ માટે મોકલ્યું હતું. કિવી ટીમની શરૂઆત નબળી રહી હતી અને ફિન એલન (12) કુલ 12 રન પર પેવેલિયન પરત ફર્યો હતો. ત્યાર બાદ કેપ્ટન કેન વિલિયમસને ડેવોન કોનવે (14), ગ્લેન ફિલિપ્સ (29) અને માર્ક ચેપમેન (25) સાથે નાની ભાગીદારી કરીને ઇનિંગ વધારી હતી. કેપ્ટન કેન વિલિયમસન 38 બોલમાં 59 રનની ઝડપી ઇનિંગ રમીને આઉટ થયો હતો. જેમ્સ નિશમે પણ 10 બોલમાં 17 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે નિર્ધારિત ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. અહીં નસીમ શાહ અને હરિસ રઉફને 2-2 અને શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝને 1-1 વિકેટ મળી હતી.

164 રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાને એવરેજથી શરૂઆત કરી હતી. કેપ્ટન બાબર આઝમે 15 અને મોહમ્મદ રિઝવાને 34 રન બનાવ્યા હતા. બંનેએ ધીમી ગતિએ બેટિંગ કરી હતી. શાન મસૂદે પણ 21 બોલમાં 19 રન બનાવ્યા હતા. મોહમ્મદ નવાઝ અને હૈદર અલીએ 11.3 ઓવરમાં 74 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દેનારી પાકિસ્તાનની ટીમને સંભાળી લીધી હતી. બંનેએ ઝડપી અંદાજમાં રન બનાવ્યા હતા.

નવાઝ 22 બોલમાં 38 રન બનાવીને અણનમ રહ્યો હતો. બીજી તરફ હૈદર અલી 15 બોલમાં 31 રન બનાવીને ટિમ સાઉથીનો શિકાર બન્યો હતો. અહીં ઈફ્તિખાર અહેમદે પણ 14 બોલમાં 25 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમે ત્રણ બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.