આઈપીએલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાની ઝપેટમાં હવે આઈપીએલ પણ આવી ગઈ છે. અમદાવાદમાં આજે રમાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને બેંગલુરુની મેચ ટાળવામાં આવી છે. જો કે આઈપીએલમાં બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જે કોલકાતા નાઇટ રાઇડર્સના બે ખેલાડીઓને કોરોના સંક્રમણ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં ટીમના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોનાથી સંક્રમિત થયા છે. બાયો બબલ હોવા છતાં પણ બે ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા છે. જેના કારણે આજે નમો સ્ટેડિયમમાં રમાનારી મેચ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. જે આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે મુકાબલો હતો. આ મેચ સાંજે 7.30 વાગે શરૂ થવાની હતી.

મળતી માહિતી મુજબ કોલકાતાની ટીમના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રએ પીટીઆઈને આ અંગે પુષ્ટિ કરી. આ મેચનું આયોજન હવે 30 મેના રોજ સમાપ્ત થનારી આ ટુર્નામેન્ટના કોઈ અન્ય દિવસે કરાશે. જો કે IPL-2021ની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.

આ અગાઉ કોરોનાને કારણે રવિચંદ્રન અશ્વિન સહિત 4 ખેલાડીઓ આઈપીએલ 2021થી દૂર થઈ ચૂક્યા છે. હાલમાં જ બીસીસીઆઈએ બાયો બબલ નિયમ કડક બનાવ્યા હતા. ખેલાડીઓને દર પાંચ દિવસે કોરોના ટેસ્ટ કરાવાવની જગ્યાએ બે દિવસે કરાવવા કહ્યું હતું. સાથે જ બીસીસીઆઈએ ખેલાડીઓને હોટલની બહારનું ખાવાનું મગાવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.