ભારતના પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરને ટી-20 વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયામાં રવિન્દ્ર જાડેજાની જગ્યા નક્કી માનતા નથી. તેમના મતે ભારતીય ટીમ જાડેજાના સ્થાને અક્ષર પટેલ જેવા ઓલરાઉન્ડરને ટીમમાં સામેલ કરી શકે છે. તેના પાછળ સંજય માંજરેકર દ્વારા કેટલાક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે.

સંજય માંજરેકરે સોની સ્પોર્ટ્સ નેટવર્ક સાથે વાત કરતા જણાવ્યું કે, ‘દિનેશ કાર્તિક એ દેખાડી ચુક્યો છે કે તે 6 કે 7 નંબર પર બેટિંગ કરી શકે છે. અહીં તેમણે બેટિંગ કરીને ખૂબ પ્રભાવિત પણ કર્યા છે. અમે તેને આઈપીએલ અને સાઉથ આફ્રિકા સિરીઝમાં જોયો છે. જાડેજા માટે તેની જગ્યાએ આવવું અને રમવું આસાન નહીં હોય. આવી સ્થિતિમાં ભારતીય ટીમ અક્ષર પટેલ જેવા ઓલરાઉન્ડરને પોતાની ટીમનો ભાગ બનાવી શકે છે.

પોતાની વાતને મજબૂત આધાર આપતા માંજરેકર કહે છે, ‘હવે આ ટીમમાં દિનેશ કાર્તિકની સાથે સાથે હાર્દિક પંડ્યા પણ છે, જે નીચલા ક્રમમાં સારી બેટિંગ કરી રહ્યો છે. ત્યાર બાદ ઋષભ પંત પણ ત્યાં બેટિંગ કરે છે. આથી જાડેજા માટે આ રાહ સરળ રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે, IPL 2022 રવિન્દ્ર જાડેજા માટે ખૂબ જ ખરાબ સાબિત થયું હતું. ન તો તે બોલિંગમાં કોઈ ચમત્કાર દેખાડી શક્યો હતો ન તો તે બેટથી રન બનાવી શક્યો હતો. છેલ્લા કેટલાક સમયથી તે સતત ઈજાગ્રસ્ત પણ થઈ રહ્યા છે. જાડેજાની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં, પસંદગીકારો માટે આ વખતે ટી-20 વર્લ્ડ કપની ટીમની પસંદગી કરવી એટલી સરળ રહેશે નહીં.