ચેન્નાઈ સુપર કિંગ્સના અનુભવી ડ્વેન બ્રાવોએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 પહેલા ટુર્નામેન્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમની નિવૃત્તિ બાદ CSK એ મોટી જવાબદારી સોંપી છે. ચેન્નાઈએ બ્રાવોને ટીમનો બોલિંગ કોચ બનાવ્યો છે. આ અંગે ફ્રેન્ચાઈઝીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કર્યું છે. ફ્રેન્ચાઈઝીએ ટ્વિટ દ્વારા ફેન્સને આ જાણકારી આપી હતી. ટીમે માહિતી આપી હતી કે લક્ષ્મીપતિ બાલાજી અંગત કારણોસર એક વર્ષનો બ્રેક લઈ રહ્યા છે. બ્રાવોની કારકિર્દી પર નજર કરીએ તો તે અત્યાર સુધી અસરકારક રહ્યો છે. તેણે IPLમાં 1560 રન બનાવવાની સાથે 183 વિકેટ પણ લીધી છે.

બ્રાવો ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સિઝનથી જ ટૂર્નામેન્ટનો ભાગ છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે તેની આઈપીએલ કારકિર્દીની પ્રથમ મેચ રમી હતી. રસપ્રદ વાત એ છે કે, તેણે આ મેચ ચેન્નાઈ સામે રમી હતી. બ્રાવોએ ડેબ્યૂ મેચમાં 16 બોલનો સામનો કરીને 24 રન બનાવ્યા હતા. તેમ છતાં આ મેચમાં તેને વિકેટ મળી ન હતી. તેણે પોતાની કારકિર્દીની છેલ્લી મેચ મે 2022માં મુંબઈ સામે રમી હતી. આ મેચની સિઝનમાં તે ચેન્નાઈ તરફથી રમ્યો હતો.

જો બ્રાવોની આઈપીએલ કારકિર્દી પર નજર કરીએ તો તેણે 161 મેચમાં 1560 રન બનાવ્યા છે. આ દરમિયાન બ્રાવોએ 5 અડધી સદી ફટકારી હતી. તેણે ટૂર્નામેન્ટમાં 183 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 22 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે. ચેન્નાઈ અને મુંબઈ ઉપરાંત બ્રાવો ટૂર્નામેન્ટમાં ગુજરાત લાયન્સ તરફથી પણ રમી ચૂક્યો છે.

વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી બ્રાવોની ટી20 ઈન્ટરનેશનલ કરિયર પણ શાનદાર રહી છે. તેણે 91 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1255 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 66 રહ્યો છે. તેણે આ ફોર્મેટની 77 ઇનિંગ્સમાં 78 વિકેટ લીધી છે.