ક્રિકેટની દુનિયામાં સ્ટાર સ્પિનર તરીકે ઓળખાતા અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાન મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. રાશિદ ખાને થોડા દિવસો પહેલા એક પોસ્ટ લખી હતી, જે પોતાના દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ વિરુદ્ધની હતી અને તેમાં વિદેશોના નેતાઓ પાસે મદદ માંગી હતી. તેમના દ્વારા દુનિયાભરના નેતાઓને અફઘાનિસ્તાનને બચાવવા માટે મદદની અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં હવે તેને આ કામની સજા મળશે. એક રિપોર્ટ મુજબ, તેને સજા રૂપે હવે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી હટાવવામાં આવે તેવી શક્યતા છે.

નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાં હાલ તનાણપૂર્ણ સ્થિતિ ઉભી થયેલી છે. તાલિબાને પોતાના શાસનની જાહેરાત કરી નાખી છે અને દેશના દરેક ખુણામાં તાલિબાન રાજ અસ્તિત્વમા આવી ગયું છે. આ વાતને લઇને સ્પિનર રાશિદ ખાન ખુબ ચિંતિત હતા. તેને થોડાક સમય બાદ એક ભાવુક પોસ્ટ કરીને પોતાની ચિંતા જાહેર કરી હતી.

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન હાલમાં ઇંગ્લેન્ડમાં રહેલા છે અને ત્યાં ધ હન્ડ્રેડ લીગમાં રમી રહ્યા છે, અહીં તે ટ્રેન્ટ રોકેટ્સની ટીમ તરફથી રમી રહ્યા છે. રાશિદ ખાને ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે, દુનિયાભરના પ્રિય નેતાઓ. મારો દેશ સંકટમાં છે. પ્રતિદિવસ મહિલાઓ અને બાળકો સહિત હજારો લોકો મોતને ભેટી રહ્યાં છે. ઘરો અને સંપતિઓ બરબાદ કરાઈ રહી છે. લોકોને પોતાના ઘર છોડીને જવા માટે મજબૂર કરાઈ રહ્યાં છે. આ મુશ્કેલ સ્થિતિમાં અમને એકલા ના છોડો. અફઘાનિસ્તાન અને અહીંના લોકોને બરબાદ થતાં બચાવો અમે શાંતિ ઇચ્છીએ છીએ.