ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબ છોડી

ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબ છોડી દીધી છે. માન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબે આ વાતની પુષ્ટિ કરી છે. માન્ચેસ્ટર યુનાઈટેડએ જણાવ્યું છે કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પરસ્પર સમજૂતીથી ક્લબ છોડી દેશે. ક્લબના મેનેજર એરિક ટેન હાગ સામે જાહેર વિરોધ પછી ક્લબ સાથે પોર્ટુગીઝ ખેલાડીનું ભાવિ સમાપ્ત થઈ ગયું હતું.
કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં ઘાના સામે પોર્ટુગલની પ્રથમ મેચના બે દિવસ પહેલા આ વાતની પુષ્ટિ થઈ છે. માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ક્લબ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતેના બે સ્પેલ દરમિયાન તેમના પુષ્કળ યોગદાન માટે આભાર માનવા માંગે છે.
તેમણે ક્લબ માટે 346 મેચમાં 145 ગોલ કર્યા છે. તેમને અને તેમના પરિવારને ભવિષ્ય માટે શુભકામનાઓ. ક્લબે ઉમેર્યું હતું કે, માન્ચેસ્ટર યુનાઇટેડમાં દરેક વ્યક્તિ મેનેજર એરિક ટેન હેંગના અન્ડર ટીમની પ્રગતિ ચાલુ રાખવા અને સફળતાને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
બ્રિટિશ પત્રકાર પિયર્સ મોર્ગન સાથેના તેમના તાજેતરના ઇન્ટરવ્યુ માટે રોનાલ્ડોને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ટરવ્યુમાં રોનાલ્ડોએ ઘણા મુદ્દાઓ પર ક્લબની ટીકા કરી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ક્લબના કેટલાક માલિકો તેને બળપૂર્વક બહાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એવું લાગે છે કે યુનાઇટેડનો રોનાલ્ડો સાથે અલગ થવાનો નિર્ણય આ મુલાકાતના પરિણામે આવ્યો હતો.