ભારતની વેઈટલિફ્ટર હરજિંદર કૌરે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને 9 મો મેડલ અપાવ્યો છે. તેમણે મહિલાઓની 71 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. તેમણે 212 કિલો વજન ઉપાડ્યું હતું. તેમણે સ્નેચમાં 93 કિલો જ્યારે ક્લીન એન્ડ જર્કમાં 119 કિલો વજન ઉપાડ્યું હતું. આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ સારાહ ડેવિસે 229 કિગ્રા વજન ઉઠાવીને જીત્યો હતો જ્યારે કેનેડાની એલેક્સિસે 214 કિગ્રા વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો હતો.

વેઈટલિફ્ટિંગમાં આ 7 મો મેડલ છે. આ સિવાય ભારતને જુડોમાં વધુ 2 મેડલ મળ્યા છે. આ રીતે ભારતે અત્યાર સુધીમાં 3 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જ્યારે ભારતને લૉન બોલ અને બેડમિન્ટનમાં બે મેડલ મળવાની ખાતરી છે.

સોમવારે ભારતને જુડોમાં બે મેડલ મળ્યા છે. એલ સુશીલા દેવી અને વિજય કુમારે મહિલાઓની 48 કિગ્રા અને પુરુષોની 60 કિગ્રા વર્ગમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સુશીલાને ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની માઈકેલા વેઈટબુઈએ હાર આપી હતી. બીજી તરફ, વિજય કુમારે સાયપ્રસના પેટ્રોસ ક્રિસ્ટોડોલાઈડ્સને ઈપ્પોનથી પોઈન્ટ મેળવીને હરાવ્યો હતો.