ડેવિડ વોર્નર વિવિયન રિચર્ડ્સની આ ખાસ ક્લબમાં જોડાયા, કપિલ દેવ અને રોહિત શર્માને પાછળ છોડી દીધા

ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી ODI સીરીઝની ત્રીજી મેચમાં ઝિમ્બાબ્વેની ટીમે ઇતિહાસ રચ્યો હતો અને ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ વખત જીત મેળવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હારથી કોઈ ખેલાડી બચાવી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયા માટે તેનો દિગ્ગજ ઓપનર ડેવિડ વોર્નર એકલો સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો અને તેણે 94 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય ઓસ્ટ્રેલિયા તરફથી મેક્સવેલ (19) એકમાત્ર બેટ્સમેન હતો જેણે ડબલ ફિગર પાર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ ભલે આ મેચ હારી ગઈ હોય પરંતુ તેના ઓપનર ડેવિડ વોર્નરે એક ખાસ રેકોર્ડ બનાવી લીધો છે.
ઝિમ્બાબ્વે વિરુદ્ધ 94 રનની ઇનિંગ રમનાર ડેવિડ વોર્નર આજે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી વિવિયન રિચર્ડ્સની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયા છે. વાસ્તવમાં આજે ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સમાં એકલાએ 66.67 ટકા સ્કોર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આજે ઝિમ્બાબ્વે સામે 141 રન બનાવ્યા હતા. જેમાં વોર્નરે 94 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નર આવું કરનાર વિવિયન રિચર્ડ્સ બાદ બીજો ખેલાડી બની ગયો છે.
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી વિવિયન રિચાર્ડસે 1984 માં ઈંગ્લેન્ડ સામેની સદીમાં એકલા હાથે 69.48 ટકા રન બનાવ્યા હતા અને અણનમ 189 રન બનાવ્યા હતા. તે મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 272 રન બનાવ્યા હતા. જ્યારે આ યાદીમાં ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવનું નામ પણ આવે છે. કપિલે 1983 ના વર્લ્ડ કપ દરમિયાન 175 રનની શાનદાર અણનમ સદી રમી હતી. આ મેચમાં તેણે એકલાએ 65.78 ટકા રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમે આ મેચમાં 266 રન બનાવ્યા હતા. આ લિસ્ટમાં કપિલ બાદ ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન રોહિત શર્માનું નામ પણ સામે આવે છે. તેણે 264 રનની ધમાકેદાર બેવડી સદીની ઇનિંગ રમીને ભારતીય ટીમ માટે એકલાએ 65.34 ટકા રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકા સામે 404 રન બનાવ્યા હતા.