શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ગાલેમાં ટેસ્ટ સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચના ચોથા દિવસે શ્રીલંકાના ખેલાડી દિમુથ કરુણારત્નેએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેમણે ટેસ્ટ મેચમાં 6000 રન પૂરા કરી લીધા છે. આવું કરનાર તે છઠ્ઠો શ્રીલંકન ખેલાડી છે. ગાલે ટેસ્ટના ચોથા દિવસે લંચ બ્રેક સુધી શ્રીલંકાએ 444 રનની લીડ મેળવી લીધી છે. તેની હજુ પણ ત્રણ વિકેટ બાકી છે.

કરુણારત્નેએ 82 ટેસ્ટ મેચોની 158 ઇનિંગ્સમાં 6000 થી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 14 સદી અને 31 અડધી સદી ફટકારી છે. ટેસ્ટ મેચોમાં કરુણારત્નેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 244 રન છે. શ્રીલંકા તરફથી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કુમાર સંગાકારાના નામે છે. તેણે 233 ઇનિંગ્સમાં 12400 રન બનાવ્યા છે. સંગાકારાએ આ સમયગાળા દરમિયાન 38 સદી અને 52 અડધી સદી ફટકારી છે. આ મામલામાં મહેલા જયવર્દને બીજા સ્થાને છે. તેણે 11814 રન બનાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગાલેમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં શ્રીલંકાએ પ્રથમ દાવમાં ઓલઆઉટ થતા સુધીમાં 378 રન બનાવ્યા હતા. આ દરમિયાન ચાંદીમલે 80 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ડિકવેલાએ 51 રનનું યોગદાન આપ્યું હતું. હવે શ્રીલંકાની ટીમ બીજી ઇનિંગ રમી રહી છે. આ સાથે જ પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં 231 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી આગા સલમાને સૌથી વધુ 62 રન બનાવ્યા હતા.