બર્મિંગહામમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી છેલ્લી ટેસ્ટમાં હાર સાથે, ભારતને વધુ એક ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમ નિર્ધારિત સમયમર્યાદામાં ઓવરનો ક્વોટા પુરો કરી શકી નથી, તેથી ICCએ ટીમ ઈન્ડિયા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ICC એલિટ પેનલના મેચ રેફરી ડેવિડ બૂને ભારતીય ટીમને દંડ ફટકાર્યો છે.

ICCની આચાર સંહિતા 2.22 મુજબ ધીમા ઓવરરેટ માટે મેચ ફીના 40 ટકા દંડ તરીકે વસૂલવામાં આવે છે. ઉપરાંત, ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રમતની શરતોની કલમ 16.11.2 અનુસાર, દરેક ઓવર-શોર્ટ માટે ટીમને એક પોઇન્ટનો દંડ આપવામાં આવે છે. ભારતે નિર્ધારિત સમયમાં બે ઓવર ઓછી ફેંકી હોવાથી, ભારતના કુલ પોઈન્ટમાંથી બે WTC પોઈન્ટ કાપવામાં આવ્યા છે.

એજબેસ્ટન ટેસ્ટ માટે ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત બુમરાહે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, તેથી હવે ઔપચારિક સુનાવણીની જરૂર નથી. મેચ દરમિયાન ઓન-ફીલ્ડ અમ્પાયર અલીમ દાર અને રિચર્ડ કેટલબોરો, થર્ડ અમ્પાયર મેરાઈસ ઈરાસ્મસ અને ચોથા અમ્પાયર એલેક્સ વ્હાર્ફે ભારતીય ટીમ પર આ આરોપો લગાવ્યા હતા.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દાવમાં ઓલઆઉટ થયા બાદ 416 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 284 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતે બીજા દાવમાં 10 વિકેટ ગુમાવીને 245 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 378 રન બનાવ્યા હતા અને છેલ્લી ટેસ્ટ 7 વિકેટે જીતી લીધી હતી. રૂટે 142 રન બનાવ્યા અને બેયરસ્ટો એ 114 રનની અણનમ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી. આ મેચમાં જીત સાથે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 2-2 થી ડ્રો સાથે સમાપ્ત થઈ હતી. બેયરસ્ટોને પ્લેયર ઓફ ધ મેચ જ્યારે જો રૂટ અને બુમરાહને પ્લેયર ઓફ ધ સીરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.