પાકિસ્તાનમાં યોજાનારી ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ડિસેમ્બર મહિનામાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ સીરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડે આ શ્રેણી માટે કીટન જેનિંગ્સ અને લિયામ લિવિંગસ્ટોનને તક આપી છે. તે જ સમયે, ટીમના અનુભવી ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડને આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે.

પાકિસ્તાન પ્રવાસમાં પ્રથમ વખત ઈંગ્લેન્ડની ટીમે સરેના ઓલરાઉન્ડર વિલ જેક્સને તક આપી છે. તેના સિવાય ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોનની પણ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. તેને 2018 બાદ ફરીથી ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે પાકિસ્તાન સામે ટેસ્ટમાં ડેબ્યુ કરશે.

લિવિંગસ્ટોન ઉપરાંત કેટોન જેનિંગ્સની પણ વર્ષ 2019 બાદ પ્રથમ ટેસ્ટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ બ્રોડને આ ટેસ્ટ સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. વાસ્તવમાં, બ્રોડ નવેમ્બરમાં તેના પાર્ટનર સાથે પહેલા બાળકનો પિતા બની શકે છે, તેથી તેને આ સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. તે જ સમયે, આ શ્રેણીમાં બ્રોડની જગ્યાએ માર્ક વૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનની મુલાકાતે આવેલી ઈંગ્લેન્ડની ટીમ 1 થી 21 ડિસેમ્બર સુધી ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ રમશે. આ સીરીઝની પ્રથમ મેચ 1 થી 5 ડિસેમ્બર દરમિયાન રાવલપિંડીમાં, બીજી મેચ 9 થી 13 ડિસેમ્બર દરમિયાન મુલતાનમાં અને ત્રીજી ટેસ્ટ 17 થી 21 ડિસેમ્બર દરમિયાન કરાચીમાં રમાશે.

પાકિસ્તાન સામેની ટેસ્ટ સીરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ

બેન સ્ટોક્સ (કેપ્ટન), જો રૂટ, જેમ્સ એન્ડરસન, હેરી બ્રુક, જેક ક્રોલી, બેન ડકેટ, બેન ફોક્સ, વિલ જેક્સ, કેટોન જેનિંગ્સ, જેક લીચ, લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટોન, ઓલી પોપ, ઓલી રોબિન્સન, માર્ક વુડ.