લાહોરમાં રમાયેલી T20 મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 8 વિકેટથી હરાવી દીધું હતું. આ મેચમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ એવું આક્રમક ફોર્મ બતાવ્યું કે, 170 રનનો મોટો ટાર્ગેટ પણ તેમની સામે નાનો સાબિત થયો હતો. આ ‘કરો યા મરો’ મેચ જીતીને ઈંગ્લેન્ડે 7 મેચની T20 સીરીઝ 3-3 થી બરાબર કરી લીધી છે. હવે છેલ્લી અને નિર્ણાયક મેચ સીરીઝની વિજેતા ટીમ નક્કી કરશે.

મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. મોહમ્મદ રિઝવાન વિના મેદાનમાં ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને 15 રનના સ્કોર પર તેની બે વિકેટ પડી ગઈ હતી. આ પછી સુકાની બાબર આઝમે મિડલ ઓર્ડરના બેટ્સમેનો સાથે નાની-નાની ભાગીદારી કરીને પોતાની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. બાબર આઝમે 59 બોલમાં 87 રનની ઇનિંગ રમી હતી. તે અંત સુધી અણનમ રહ્યો. ઈંગ્લેન્ડ તરફથી સેમ કરન અને ડેવિડ વિલીએ 2-2 વિકેટ લીધી હતી.

170 રનના જવાબમાં ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી હતી. ફિલ સાલ્ટ સાથે ઓપનિંગમાં આવેલા એલેક્સ હેલ્સ 12 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. ડેવિડ મલાને પણ 18 બોલમાં 26 રન બનાવ્યા હતા. ઓપનર ફિલ સાલ્ટે 41 બોલમાં 88 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે અંત સુધી અણનમ રહ્યો. તેની સાથે બેન ડુકેત પણ 16 બોલમાં 26 રન બનાવીને અણનમ પેવેલિયન પરત ફર્યો હતો. આ ચાર બેટ્સમેનોની શાનદાર ઇનિંગ્સના કારણે ઇંગ્લેન્ડે 14.3 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો.