સાઉથ આફ્રિકા સામે 9 જૂનના અરૂણ જેટલી સ્ટેડીયમમાં શરૂ થનારી પાંચ મેચની ટી-20 સીરીઝ પહેલા ટીમ ઇન્ડિયામાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ફિઝિયો કમલેશ જૈનને ભારતીય સિનિયર ટીમના સહયોગી સ્ટાફ તરીકે જોડવામાં આવ્યા છે. નિતીન પટેલની જગ્યાએ કમલેશ જૈન ટીમ ઈન્ડિયાના ફિઝિયો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ક્રિકબઝના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જૈન કોલકાતા નાઈટ રાઈડર્સના ભૂતપૂર્વ સપોર્ટ સ્ટાફ સભ્ય છે. BCCI એ નીતિન પટેલની જવાબદારીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તેમને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં શિફ્ટ કરવામાં આવ્યા છે.

રિપોર્ટમાં સામે આવ્યું છે કે, જૈન સોમવારે નવી દિલ્હીમાં ભારતીય ટીમ સાથે જોડાયા હતા. લોકેશ રાહુલની આગેવાની હેઠળની ભારતીય ટીમે સોમવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં લગભગ ત્રણ કલાક સુધી પ્રેક્ટિસ કરી અને જૈન ખેલાડીઓને મદદ કરી હતી. નવી દિલ્હીમાં પ્રથમ T20 પછી, ટીમો બીજી મેચ માટે 12 જૂને કટક, 14 જૂને વિઝાગ, 17 જૂને રાજકોટ અને 19 જૂને બેંગલુરુ જશે.

તમને જણાવી દઈએ કે, BCCI ટીમ ઈન્ડિયામાં સામેલ તમામ ખેલાડીઓની ફિટનેસ પર નજર રાખી રહ્યું છે. તમામ ખેલાડીઓ બે મહિના સુધી ચાલેલી IPL ટૂર્નામેન્ટ રમીને આવ્યા છે. સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની સિરીઝ બાદ ખેલાડીઓને પણ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થવાનું છે.

તેના સિવાય BCCI ખેલાડીઓ પર કામનો બોજ ઘટાડવા માટે પણ કામ કરી રહ્યું છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા સામેની T-20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. આ ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ રમવા માટે ટૂંક સમયમાં રવાના થશે.