ધોનીની કમાણીમાં ધમાકેદાર બેટિંગ, સમય પહેલા ચૂકવી દીધો આટલા કરોડનો એડવાન્સ ટેક્સ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર, બેસ્ટ ફિનિશર મહેન્દ્ર સિંહ ધોની માત્ર રમતના ક્ષેત્રમાં જ નહીં, પૈસાના મામલે પણ અમીર છે. આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે એમએસ ધોનીની આવકવેરા રિટર્ન ફાઇલિંગમાં દર વર્ષે સારો એવો વધારો જોવા મળી રહ્યો છે અને તે વર્ષ-દર વર્ષે કમાણીના મામલામાં આગળ વધી રહ્યા છે.
ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ બિઝનેસની દુનિયામાં સફળતાની નવી સીડી ચઢી રહ્યા છે. વ્યવસાયિક સાહસના વિસ્તરણ સાથે, તેમની વ્યક્તિગત આવક સતત વધી રહી છે. આવકવેરા વિભાગની ફાઇલ તેની પુષ્ટિ કરે છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં એટલે કે એપ્રિલથી ઓક્ટોબર 2022 સુધી આવકવેરા વિભાગમાં એડવાન્સ ટેક્સ તરીકે 17 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. ગયા નાણાકીય વર્ષમાં, તેણે આ સમયગાળા માટે એડવાન્સ ટેક્સ તરીકે 13 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં તેમની આવકમાં લગભગ ત્રીસ ટકાનો વધારો થશે.
તેમને વર્ષ 2021-22 માટે આવકવેરા વિભાગને 38 કરોડ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવ્યા હતા. એટલે કે આ વર્ષે તેની કુલ આવક 130 કરોડની આસપાસ હતી. આ પહેલા એટલે કે વર્ષ 2020-21માં તેણે લગભગ 30 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો. જ્યારે વર્ષ 2019-20 અને 2018-19 માં આવકવેરા તરીકે 28 કરોડની રકમ ચૂકવવામાં આવી હતી. આવકવેરાના ડેટા અનુસાર, તેણે 2017-18 માં 12.17 કરોડ રૂપિયા અને 2016-17 માં 10.93 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો. આવકવેરા વિભાગના ડેટા અનુસાર, ધોનીએ જ્યારથી તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી છે ત્યારથી તે ઝારખંડમાં વ્યક્તિગત શ્રેણીમાં સતત સૌથી મોટો આવકવેરો ભરનાર છે.