ફિફા વર્લ્ડ કપ 2022ની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝિલે અદ્ભુત રમત બતાવીને દક્ષિણ કોરિયાને 4-1 ના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું. આ મેચમાં બ્રાઝિલનો સ્ટાર ખેલાડી નેમાર ઈજા બાદ પરત ફર્યો હતો. તેણે પરત ફરતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 1 ગોલ કરીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

બ્રાઝિલે કર્યો કમાલ

ફૂટબોલ વર્લ્ડ કપની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં બ્રાઝિલે દક્ષિણ કોરિયા સામે પહેલા હાફમાં જ મોટી લીડ મેળવી લીધી હતી. ટીમે પહેલા હાફમાં જ 4 ગોલ કરીને ટીમની જીત લગભગ સુનિશ્ચિત કરી હતી. બ્રાઝિલ માટે પ્રથમ ગોલ વિનિસિયસ જુનિયર દ્વારા 7 મી મિનિટે, બીજો ગોલ નેમાર દ્વારા 13 મી મિનિટે, ત્રીજો ગોલ રિચાર્લિસન દ્વારા 29 મી મિનિટમાં અને ચોથો ગોલ લુકાસ પક્વેટાએ 36મી મિનિટે કર્યો હતો. બ્રાઝિલે શરૂઆતથી જ સમગ્ર મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું અને દક્ષિણ કોરિયાને વાપસી કરવાની એક પણ તક આપી ન હતી. આ મેચમાં દક્ષિણ કોરિયા માટે એકમાત્ર ગોલ પાઈક સેઉંગ હોએ 76 મી મિનિટે કર્યો હતો. જો કે આ પછી કોરિયા એક પણ ગોલ કરી શક્યું ન હતું અને તે મેચ હારી ગયું અને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે.

નેમાર રહ્યા બ્રાઝિલના જીતના હીરો

બ્રાઝિલના સ્ટાર ખેલાડી નેમારે ઈજામાંથી પરત ફરતી વખતે શાનદાર વાપસી કરી હતી. તેમને દક્ષિણ કોરિયા સામે શાનદાર રમત બતાવી હતી. આ મેચમાં નેમારે એક ગોલ કર્યો હતો. ટીમના ગોલમાં મદદ કરતી વખતે તેણે એક આસિસ્ટ પણ કર્યો હતો. નેમાર ઈજાના કારણે બ્રાઝિલ ટીમમાંથી બહાર થઈ રહ્યો હતો. તેને પગમાં ઈજા થઈ હતી. જોકે નેમારે ઈજામાંથી પરત ફરવા માટે ઘણી મહેનત કરી હતી અને પોતાની ટીમને મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નેમારે બ્રાઝિલ માટે 76 ગોલ કર્યા છે. હવે તે બ્રાઝિલ માટે સૌથી વધુ ગોલ કરનારા પેલે (77) કરતા માત્ર બે ગોલ પાછળ છે. વાસ્તવમાં, પેલેએ બ્રાઝિલ માટે સૌથી વધુ ગોલ કર્યા છે.