કતારમાં રમાઈ રહેલા ફૂટબોલ વર્લ્ડ કપ 2022 ની બીજી ક્વાર્ટર ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાએ નેધરલેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આર્જેન્ટિના અને નેધરલેન્ડ મેચના નિર્ધારિત સમય સુધી 2-2 ગોલથી બરાબરી પર હતી. વધારાના સમયમાં પણ કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી. ત્યાર બાદ તેનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ દ્વારા બહાર આવ્યો હતો. આ પેનલ્ટી શૂટઆઉટમાં લિયોનેલ મેસીની આર્જેન્ટિનાએ નેધરલેન્ડને 4-3થી હરાવી દીધું હતું.

આ ક્વાર્ટર ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમે પોતાનો પહેલો ગોલ 35મી મિનિટે કર્યો હતો. ટીમ માટે નેહુએલ મોરિનાએ મેસ્સીના પાસ પર શાનદાર ગોલ કરીને પોતાની ટીમને 1-0 ની સરસાઈ અપાવી હતી. આ પછી મેચની 73 મી મિનિટે મેસ્સીનો જાદુ પણ ચાહકોને જોવા મળ્યો હતો, મેસ્સીએ પેનલ્ટી પર ગોલ કરીને ટીમને 2-0 ની સરસાઈ અપાવી દીધી હતી.

2-0 ની લીડ બાદ બધાને લાગતું હતું કે, આર્જેન્ટિના આ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ સબસીટ્યુટ તરીકે આવેલા બેગોર્સ્ટે આખી મેચ પલટી નાખી હતી. વાસ્તવમાં, તેણે 83 મી મિનિટે નેધરલેન્ડ માટે પ્રથમ ગોલ કર્યો હતો. ત્યાર બાદ રેફરીએ 10 મિનિટનો ઈન્જ્યુરી ટાઈમ આપ્યો જેમાં તેણે ઈન્જરી ટાઈમની છેલ્લી 10 મી મિનિટે ગોલ કરીને સ્કોર 2-2 થી બરાબર કરી દીધો હતો. આ પછી, બંને ટીમોને વધારાની 30 મિનિટ આપવામાં આવી હતી, જોકે આ અડધા કલાકમાં કોઈપણ ટીમ ગોલ કરી શકી ન હતી.

મેચ એટલી રોમાંચક હતી કે, તેનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટમાં થયો હતો. મેચમાં આર્જેન્ટિનાના ગોલકીપર એમી માર્ટિનેઝે શાનદાર રમત બતાવી નેધરલેન્ડના કેપ્ટન વર્જીલ વેન ડાયક અને સ્ટીવન બર્ગહાઉસના શોટ્સ રોક્યા હતા. નેધરલેન્ડ માટે, ટિયુન કૂપમીનર્સ, બાઉટ બેગોર્સ્ટ અને લુક ડી જોંગે ગોલ કર્યા હતા. બીજી તરફ, લિયોનેલ મેસ્સી, લિયોનાર્ડો પરેડેઝ, ગોન્ઝાલો મોન્ટિયલ અને લૌટારો માર્ટિનેઝ આર્જેન્ટિના માટે ગોલ કરવામાં સફળ રહ્યા હતા. આ 4 ખેલાડીઓના દમ પર આર્જેન્ટિના ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડને 4-3થી હરાવવામાં સફળ રહી હતી.